રાઉતની ધરપકડ ગેરકાયદેસર:કોર્ટનો ઈડી પર ઠપકો, તપાસ સામે પ્રશ્નચિહન

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય આરોપીને હજુ કેમ પકડ્યો નથી એમ પણ કોર્ટે પૂછ્યું

પતરા ચાલ રિડેવલપમેન્ટ ગોટાળામાં 102 દિવસ સુધી ઈડી અને ન્યાયિક કસ્ટડીમાં રહેલા સંજય રાઉતની ધરપકડ ગેરકાયદેસર હોવાનો ઠપકો પીએમએલએ વિશેશ કોર્ટે ઈડી પર મૂક્યો હતો. આ સાથે તપાસ સામે પ્રશ્નચિહન મૂક્યું છે. ઈડીએ આ પ્રકરણના મુખ્ય આરોપીની હજુ ધરપકડ કરી નથી. ઈડીએ પોતે જ આરોપીઓને ચૂંટી કાઢ્યા છે એવો ઠપકો પણ વિશેષ કોર્ટે મૂક્યો હતો.સંજય રાઉત અને પ્રવીણ રાઉતની જામીન અરજી અને ઈડીની દલીલો પછી 122 પાનાંના આદેશમાં ઈડીએ તપાસ સામે જ પ્રશ્નચિહન ઉપસ્થિત કર્યો હતો.

આરોપીઓની ધરપકડ ગેરકાયદેસર રીતે કરવામાં આવી છે. મુખ્ય આરોપી રાકેશ વાધવાન, સારંગ વાધવાન અને આ ગોટાળાના સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કેમ કરાઈ નહીં, એવો પ્રશ્ન પણ કોર્ટે કર્યો હતો. રાઉત જામીન પર છૂટતાં જ તેમના પ્રભાદેવી સ્થિત મૈત્રી નિવાસસ્થાન દિવાળી જેવું વાતાવરણ સર્જાયું હતું. સમર્થકો મોટી સંખ્યામાં ઈમારતની બહાર ભેગા થયા હતા. તે સમયે રાઉતનાં માતાએ હાથ જોડીને સૌના આભાર માન્યા હતા.

કોર્ટમાં તાળીઓનો ગડગડાટ : દરમિયાન કોર્ટે જામીન મંજૂર કરતાં જ રાઉતના સમર્થકોએ તાળીઓનો ગડગડાટ કરી દીધો હતો. જોકે ખુદ રાઉત થોડો સમય ચુકાદો ચોક્કસ શું આવ્યો તે સમજી શક્યા નહીં. આ પછી વકીલોએ તેમને જામીન મંજૂર થયા હોવાનું કહ્યું, જે પછી તેઓ ભાવનાત્મક બની ગયા હતા. કોર્ટમાં રાઉતના કુટુંબીઓ હાજર હતા. રાઉત પોતાના સમર્થકો અને કાર્યકરોને મળ્યા હતા. ન્યાયદેવતા પર મારો સંપૂર્ણ વિશ્વાસ હતો એમ કહીને તેમણે આભાર માન્યા હતા. હું ફરીથી લડીશ, કામની શરૂઆત કરીશ, એવો એલ્ગાર તેમણે કર્યો હતો.

ઉદ્ધવ ઠાકરેનો અભિનંદન માટે ફોન
દરમિયાન રાઉતને અભિનંદન આપવા માટે ઉદ્ધવ ઠાકરેએ ફોન કર્યો હતો. સંજય સાવંત નામે કાર્યકરના ફોન પર માતોશ્રીમાંથી ફોન કોલ આવ્યો હતો. જોકે રાઉત કસ્ટડીમાં હોવાથી રાઉત સાથે સીધી વાતચીત થઈ શકી નહોતી. સંજયને અભિનંદન આપ, ટૂંક સમયમાં જ તેને મળીશ, એવો સંદેશ ઠાકરેએ આપ્યો હતો. તેની સામે રાઉત આભાર વ્યક્ત કર્યો હતો.

રાઉતને આ શરતોનું પાલન કરવું પડશે
દરમિયાન વિશેષ પીએમએલએ કોર્ટે અમુક શરતો પણ લાદી છે. રૂ. 2 લાખના વ્યક્તિગત બોન્ડ અને તેટલી જ રકમનો જામીનદાર આપવાની શરતે જામીન મંજૂર કર્યા. જામીન માટે જામીનદાર આપવા મુદત આપીને તુરંત છુટકારો કરવાની છૂટ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...