વીમાના દાવાનો વિચાર કરતી વખતે નવજાત બાળકની વ્યાખ્યા બાબતે ખોટો અર્થ લગાવનારી અને વીમાના મૂળ હેતુને ઠુકરાવનારી વીમા કંપનીને મુંબઈ હાઈ કોર્ટે ફટકાર લગાવીને અરજદાર મહિલાનો રૂ. 11 લાખનો દાવો મંજૂર કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે વીમા યોજનાની શરતોનો ખોટો અર્થ લગાવીને મહિલાનો દાવો ફગાવવા માટે તેને રૂ. 5 લાખ વધારાના ચૂકવવાનો આદેશ પણ જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ નીલા ગોખલેની ખંડપીઠે આપ્યો છે.
ઈન્ડિયા એશ્યોરન્સ કંપની બાબતે ખંડપીઠે આ આદેશ આપ્યો છે. સપ્ટેમ્બર 2018માં વકીલ મહિલાની મુદત-પૂર્વ પ્રસૂતિ થઈ હતી અને તેને જોડિયા બાળક જન્મ્યા હતા. આ પછી બંને નવજાતને એનઆઈસીયુમાં રાખવા પડ્યા હતા. તેમના ઉપચાર માટે રૂ. 11 લાખ ખર્ચ આવતાં તેણે વીમા કંપની પાસે આ રકમ માટે દાવો દાખલ કર્યો હતો. આ મહિલાએ 2007માં આ કંપની પાસેથી બે તબીબી વીમા પોલિસી લીધી હતી. તેના હપ્તા પણ તે નિયમિત રીતે ભરતી હતી.
સપ્ટેમ્બર 2018માં તેની નિર્ધારિત સમય પૂર્વે જ પ્રસૂતિ થઈ ગઈ હતી, જેને તેણે જોડિયા બાળકને જન્મ આપ્યો હતો. તેમની તબિયત નાજુક હોવાથી એનઆઈસીયુમાં રાખવા પડ્યા હતા, જેને લીધે તેને રૂ. 11 લાખનો ખર્ચ આવ્યો હતો. જોકે કંપનીએ નવજાતની વ્યાખ્યામાં મુદત-પૂર્વ પ્રસૂતિ થઈને જન્મેલા અધૂરી વૃદ્ધિનું બાળક આવતું નથી, પરંતુ પૂર્ણ વૃદ્ધિનું બાળક આવે છે એવી વ્યાખ્યા કરીને મહિલાનો દાવો ફગાવી દીધો હતો. આથી મહિલાએ કંપની વિરુદ્ધ 2021માં હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
કંપનીની દલીલ અત્યંત અતાર્કિક, ગેરવાજબી અને મનમાની સ્વરૂપની છે. અકાળે જન્મેલું બાળક અને પૂર્ણ વૃદ્ધિનું બાળક એવી નિરાધાર વ્યાખ્યા કરીને વીમા કંપની વીમાના મૂળ હેતુને તિલાંજલી આપી રહી છે. વીમા લેતી વખતે લોકો અત્યંત વિશ્વાસથી લે છે અને તે માટે જરૂરી પ્રીમિયમ ભરે છે. જોકે ખર્ચ આપવાનો વારો આવે ત્યારે તે ટાળવા માટે વીમા પોલિસીની શરતોનો કંપની આ રીતે વિસંગત અર્થ લગાવતી હોય તો તે સ્વીકારી શકાય નહીં, એવી નોંધ ખંડપીઠે કરી હતી.
ત્રાસ માટે રૂ. 5 લાખ
અરજદાર મહિલા મહિલા તેના બાળકના જન્મનો અને તેમના પાલનપોષણનો પૂરતો આનંદ લઈ શકી નહીં હોય એવી અમે કલ્પના કરી શકીએ છીએ. વીમાનો દાવો ફગાવ્યા પછી તેને આર્થિક ભાર સહન કરવો પડ્યો હશે, જેને લીધે તેને કેટલો ત્રાસ થયો હશે તે અમે સમજી શકીએ છીએ. આથી આ ત્રાસ માટે કંપનીએ વધુ રૂ. 5 લાખ તેને આપવા પડશે, એમ ખંડપીઠે આદેશમાં સ્પષ્ટ કર્યું છે. આ જ રીતે રૂ. 11 લાખનો દાવો અને વધારાના રૂ. 5 લાખ ચાર અઠવાડિયામાં મહિલાને ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.