એક હજાર કરોડથી વધુ રૂપિયાના ગોરેગાવ પશ્ચિમ સ્થિત સિદ્ધાર્થ નગરની પતરા ચાલના રિડેવલપમેન્ટમાં કરવામાં આવેલા ગોટાળા સંબંધી મની લોન્ડરિંગ પ્રકરણે તપાસ કરતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ગુરુવારે સંજય રાઉતને ફરી કોર્ટમાં હાજર કરતાં 8 ઓગસ્ટ સુધી કસ્ટડી લંબાવી આપી હતી.ઈડીની કસ્ટડીમાં ત્રાસ થયો છે કે એવું કોર્ટે પૂછ્યું હતું. તે સામે રાઉતે કહ્યું કે મને જ્યાં રાખવામાં આવ્યો છે ત્યાં યોગ્ય વેન્ટિલેશન નથી, જ્યારે ઈડીએ રાઉતને એસીમાં રાખવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે.
દરમિયાન ઈડીના વકીલ હિતેન વેણેગાવકરે કોર્ટને જણાવ્યું કે રાઉતનાં પત્ની વર્ષાને અજ્ઞાત વ્યક્તિ પાસેથી પૈસા મળ્યા છે. આથી રાઉતનાં બધાં ખાતાંની તપાસ કરી રહ્યા છીએ. રાઉતના ખાતામાં કરોડોની લેણદેણ થઈ છે. આથી રાઉતની કસ્ટડી 10 ઓગસ્ટ સુધી લંબાવી આપવામાં આવે. કોર્ટે પૂછ્યું કે તપાસમાં આવા કેટલા વ્યવહાર સામે આવ્યા છે. રાઉતના વકીલ મનોજ મોહિતેએ જણાવ્યું કે રાઉતને જવાબ નોંધાવવા માટે ઈડી ધમકાવી રહી છે. રાઉત પર ફક્ત બે આરોપ છે, જેની તપાસ અગાઉ જ પૂરી થઈ ચૂકી હોવાથી કસ્ટડી લંબાવવાની જરૂર નથી.
દરમિયાન કોર્ટે 8 ઓગસ્ટ સુધી જ કસ્ટડી આપી હતી. પતરા ચાલ ગોટાળા શું છે : 42 એકરમાં પતરા ચાલના રિડેવલપમેન્ટ માટે 2006માં મ્હાડા, ગુરુઆશિષ બિલ્ડર અને ભાડૂતો વચ્ચે કરાર થયા હતા. 2007માં રાઉતના નિકટવર્તી પ્રવીણ રાઉત ગુરુઆશિષ રિયલ એસ્ટેટ કંપનીનો ત્રીજો ડાયરેક્ટર બન્યો હતો. આ રિડેવલપમેન્ટ થકી રૂ. 1034 કરોડનો એફએસઆઈ ગેરકાનૂની રીતે વેચી મારવામાં આવ્યો હોવાનો આરોપ છે. 2016માં કંપની વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. પ્રવીણ રાઉતની પત્ની માધુરી રાઉત અને સંજય રાઉતની પત્ની વર્ષા સિદ્ધાંત સિસ્કોનમાં ભાગીદાર હોવાનું ઈડીનું જણાવવું છે.
પ્રવીણ રાઉતને ગેરકાનૂની રીતે મળેલા રૂ. 112 કરોડમાંથી વર્ષા રાઉતના ખાતામાં રૂ. 1.60 કરોડ જમા કર્યા છે, જેમાંથી રાઉતે અલીબાગમાં પ્લાટ લીધા હતા. પ્રવીણ રાઉત એ સંજય રાઉતનો ફ્રન્ટમેન હોવાનો આરોપ ઈડીનો છે. આ જગ્યામાં 3000 ફ્લેટ બાંધવાના હતા, જેમાંથી 672 ફ્લેટ અહીં વર્ષોથી રહેતા રહેવાસીઓને આપવાના હતા. અમુક ફ્લેટ નિયમ અનુસાર મ્હાડાને આપવાના હતા. જોકે 2011માં આ જગ્યામાંથી અમુક અન્ય બિલ્ડરોને વેચી મારવામાં આવી. આ ગોટાળાને કારણે મૂળ જગ્યામાં ઘર ધરાવનારા પાયમાલ થઈ ગયા છે.
રાઉતની અધિકારી સાથે બોલાચાલી
દરમિયાન રાઉતને દક્ષિણ મુંબઈમાં બેલાર્ડ પિયર સ્થિત ઈડી ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યા તે પછી ત્યાં આવેલા ભાઈ સુનીલ રાઉત, જમાઈ મલ્હાર નાર્વેકર અને અમુક કાર્યકરો સાથે તેઓ વાત કરતા હતા. તે સમયે એક અધિકારીએ રોકતાં બોલાચાલી થઈ હતી. જોકે બાદમાં અધિકારી રાઉતને ત્યાંથી લઈ જઈ વાહનમાં બેસાડ્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.