મંજૂરી:આફતાબના પોલીગ્રાફિક ટેસ્ટને કોર્ટની મંજૂરી

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દસ દિવસમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવશે

લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વિકાસ વાલકર (27)ની ક્રૂરતાથી હત્યા કરનારા આફતાબ અમીન પૂનાવાલા (28) પર પોલીગ્રાફિક ટેસ્ટ હાથ ધરવામાં આવશે, જે માટે દિલ્હીની કોર્ટે સોમવારે પરવાનગી આપી હતી. આ પછી નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે, એમ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સોમવારે જણાવ્યું હતું.

આફતાબ પર પોલીગ્રાફિક ટેસ્ટ હાથ ધરવા માટે સંમતિ મળી ચૂકી છે. આ પછી મેડિકલ ટેસ્ટ કરાશે અને તે પછી જ નાર્કો ટેસ્ટ કરાશે. 10 દિવસમાં નાર્કો ટેસ્ટ કરાશે, એમ અન્ય આસિસ્ટન્ટ ડાયરેક્ટર પુનિત પુરીએ જણાવ્યું હતું. દરમિયાન સંજીવ ગુપ્તાએ જણાવ્યું કે નાર્કો ટેસ્ટ માટે અમને વિનંતી પ્રાપ્ત થઈ છે અને તે દિશામાં કામ શરૂ કર્યું છે. અમારાં ડાયરેક્ટર દીપા વર્માએ આ કેસ અગ્રતાના ધોરણે લેવા માટે કહ્યું છે. રવિવારે લેબ અને પોલીસ ટીમ વચ્ચે મિટિંગ હતી, જેમાં બધું નક્કી કર્યું છે, પરંતુ નાર્કો ટેસ્ટ લેવા પૂર્વે અમુક પરિમાણો પૂરાં કરવાં પડશે અને તે વિશે પોલીસને જાણ કરાઈ છે. વિધિ પૂરી થતાં જ નાર્કો કરીશું.

લેબના ક્રાઈમ સીન ઈન-ચાર્જ રજનીશ ગુપ્તાએ જણાવ્યું કે નાર્કો ટેસ્ટ તબીબો સહિત વિવિધ શિસ્ત સાથે લાંબી પ્રક્રિયા છે, કારણ કે આ ટેસ્ટ ઓપરેશન થિયેટરમાં કરવામાં આવે છે. લેબના નિષ્ણાતો, ફોટો ડિવિઝન, નાર્કો સ્પેશિયાલિસ્ટો સહિતની ટીમો એકત્ર કામ કરે છે અને સમન્વયમાં કામ કરવા તેમની સંમતિ જરૂરી છે. અમારા અધિકારીઓ તેમની સંમતિ લેવા બધા વિભાગોની મુલાકાત લઈ રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.

રવિવારે દિલ્હી પોલીસ સાથે વ્યાપક ચર્ચા થઈ હતી. નાર્કો અત્રે રોહિણીમાં ડો. બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલમાં હાથ ધરાશે. આફતાબની કસ્ટડી મંગળવારે પૂરી થઈ રહી છે. આથી દિલ્હી પોલીસ સામે તમામ વિધિઓ ઝડપથી પૂરી કરવાનો પડકાર છે. 17 નવેમ્બરે દિલ્હી કોર્ટે પોલીસને પાંચ દિવસમાં નાર્કો એનાલિસિસ ટેસ્ટ પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો, જ્યારે આરોપી પર થર્ડ ડિગ્રીનો ઉપયોગ નહીં કરવા તાકીદ પણ આપી હતી.

નાર્કો એનાલિસિસને ટ્રુથ સેરમ પણ કહેવાય છે, જેમાં શિરા વાટે દવા અપાય છે (જેમ કે, સોડિયમ પેથોથલ, સ્કોપોલામાઈન અને સોડિયમ એમિટલ), જેનાથી વ્યક્તિ એનેસ્થેશિયાના વિવિધ તબક્કામાં પહોંચી જાય છે. વશીકરણના તબક્કામાં વ્યક્તિ માહિતી આપવાની વધુ શક્યતા રહે છે.

આ ટેસ્ટ ક્યારે કરાય છે
કેસમાં અન્ય પુરાવાઓ સ્પષ્ટ ચિત્ર નહીં આપે ત્યારે તપાસ એજન્સીઓ આ ટેસ્ટનો ઉપયોગ કરે છે. આફતાબ અગાઉ જવાબો બરોબર આપતો નહીં હોવાથી દિલ્હી પોલીસે તેની પર નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરવાનો વિચાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે નાર્કો એનાલિસિસ, બ્રેન મેપિંગ અને પોલીગ્રાફ ટેસ્ટ્સ સંબંધિત વ્યક્તિની સંમતિ વિના કરી શકાય નહીં.

37 બોક્સમાં ઘરનો સામાન શિફ્ટ કર્યો હતો
લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વિકાસ વાલકર (27)ની ક્રૂર હત્યા કરનારા આફતાબ પૂનાવાલા (28)એ જૂનમાં 37 બોક્સમાં ઘરનો માલસામાન ભરીને વસઈના ફ્લેટમાંથી દિલ્હીના મેહરૌલીના ઘરમાં લઈ ગયો હતો. આ માટે તેણે રૂ. 20,000 ચૂકવ્યા હતા. વસઈના ઘરમાંથી માલસામાન દિલ્હી લઈ જવા માટે આવનારો પરિવહન ખર્ચ કોણ ચૂકવશે તે બાબતે બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો, એમ આફ્તાબે દિલ્હી પોલીસને પૂછપરછમાં જણાવ્યું છે. ગૂડલક પેકર્સ એન્ડ મુવર્સ દ્વારા જૂનમાં આ માલસામાન ખસેડવામાં આવ્યો હતો, જે પછી નાણાં કોણે ચૂકવ્યાં તેની અમે તપાસ કરી રહ્યા છીએ.

દરમિયાન આ પેકેજિંગ કંપનીના કર્મચારીનું નિવેદન પણ રવિવારે દિલ્હી પોલીસે નોંધ્યું હતું, જેમાં વસઈમાં એવરશાઈન સિટીમાં વ્હાઈટ હિલ્સ સોસાયટીમાં તેમના ફ્લેટમાંથી યુગલે દિલ્હીના છત્તરપુરના ફ્લેટમાં 37 ખોખાં ભરેલો સામાન ખસેડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.શ્રદ્ધા અને આફ્તાબ દિલ્હી જવા પૂર્વે વસઈના માણિકપુરમાં રહેતા હતા, જ્યાં દિલ્હી પોલીસની ટીમ નિવેદનો નોંધી રહી છે. 2021માં શ્રદ્ધા અને આફ્તાબે મુકામ કર્યો હતો તે ઘરના માલિક અને મીરા રોડના ફ્લેટના માલિકનાં નિવેદન પોલીસે રવિવારે નોંધ્યાં હતાં. મીરા રોડથી પૂનાવાલા પરિવાર નીકળી ગયા પછી તેમનું કોઈ પગેરું મળતું નથી.

અન્ય સમાચારો પણ છે...