સુનાવણી મોકૂફ રાખી:રાઉતના જામીન વિરુદ્ધ અપીલમાં સુધારો કરવા EDને કોર્ટની મંજૂરી

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિશેષ કોર્ટની ટિપ્પણીઓને પડકારવાનું પણ કારણ આપવામાં આવ્યું

સંજય રાઉતને આપવામાં આવેલા જામીન વિરુદ્ધ કરવામાં આવેલી અપીલમાં સુધારણા કરવા અને વિશેષ કોર્ટે કરેલી ટિપ્પણીઓ અનિચ્છનીય ગણાવીને તેને પડકારવા માટે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા સમય માગવામાં આવ્યો હતો. મુંબઈ હાઈ કોર્ટે તેથી શુક્રવારે સુનાવણી 25 નવેમ્બર પર મોકૂફ રાખી છે.

ઈડીના એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહની વિનંતી પર જસ્ટિસ ભારતી ડાંગરેએ સુનાવણી મોકૂફ રાખી હતી. સિંહે જણાવ્યું કે વિશેષ જજ દ્વારા કરવામાં આવેલાં નિરીક્ષણો તપાસ સંસ્થાની અન્ય કાર્યવાહીઓને પણ અસર કરી શકે એમ છે. અનેક નિરીક્ષણો અનિચ્છનીય હતાં.

રાઉત વતી વરિષ્ઠ વકીલ અશોક મુંદરગીએ જણાવ્યું કે ઈડીએ જામીન અરજી સામે પ્રતિસાદ આપવા એક મહિનો લીધો છે. તેમને અપીલનો જવાબ આપવા કમસેકમ બે સપ્તાહ મળવા જોઈએ. સહ-આરોપી પ્રવીણ રાઉતના વકીલ આબાદ પોંડાએ ઈડીને તેનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું.

જસ્ટિસ ડાંગરેએ તે પછી ઈડીને સોમવાર સુધી અપીલની સુધારિત નકલ આપવા જણાવ્યું અને તે પછી આરોપીને આગામી સાત દિવસમાં પ્રતિસાદ આપવાનો મોકો આપ્યો હતો. હવે આ સુનાવણી 25 નવેમ્બરે બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે.નોંધનીય છે કે 31 જુલાઈ, 2022ના રોજ સંજય રાઉત અને તેમના સાથી પ્રવીણ રાઉતની ધરપકડને વિશેષ પીએમએલએ કોર્ટના વિશેષ જજ એમ જી દેશપાંડેએ અનધિકૃત ગણાવી હતી.

પ્રવીણ રાઉતની ધરપકડ સિવિલ વિખવાદ માટે કરાઈ હતી, જ્યારે સંજય રાઉતની ધરપકડ કોઈ પણ કારણ વિના કરાઈ હતી, એવી નોંધ જજે કરી હતી.ઈડીએ નક્કી અને પસંદ કરો વલણ સાથે આરોપીની ધરપકડ કરી હતી. સિવિલ વિખવાદોને મની લોન્ડરિંગ અને આર્થિક ગુના સાથે જોડીને નિર્દોષ વ્યક્તિને ધરપકડ કરવા માટે આવી મુશ્કેલ સ્થિતિમાં ઘસડી નહીં શકાય. કોર્ટે તેની સામે ગમે તે હોય તો પણ યોગ્ય કરવું જ જોઈએ, એવું નિરીક્ષણ જજે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...