ગતિવિધિઓ પર નિયંત્રણ:વિધાન પરિષદ માટે થતાં લોબીઈંગને કોરોનાએ એકા-એક બ્રેક લગાવી દીધી

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિર્ણય લેનારા નેતાઓને કોરોનાને લીધે ઈચ્છુકો મુશ્કેલીમાં મૂકાયા

વિધાન પરિષદની ચૂંટણી આવતાં જ ઈચ્છુકોની દિલ્હીમાં અવરજવર વધી જાય છે. લોબીઈંગ માટે નેતાઓ કોઈ કસર બાકી રાખતા નથી. જોકે આ વખતે કોરોનાએ અચાનક માથું ઊંચકતાં લોબીઈંગને બ્રેક લાગી ગઈ છે.મહારાષ્ટ્રમાં હાલમાં ચૂંટણીના દિવસો ચાલી રહ્યા છે. રાજ્યસભા સાથોસાથ વિધાન પરિષદની પણ ચૂંટણી આવી રહી છે. જોકે સામાન્ય રીતે વિધાન પરિષદની ચૂંટણી આવતાં ઈચ્છુકોની દિલ્હી મુલાકાત વધી જાય છે.

લોબીઈંગ માટે નેતાઓ કોઈ કસર બાકી રાખતા નથી. જોકે આ વખતે કોરોનાને કારણે આ ગતિવિધિઓ પર નિયંત્રણ આવી ગયું છે.મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. મુંબઈ, પુણે, થાણે, નવી મુંબઈ હોટસ્પોટ બની ગયા છે. આને કારણે વિધાન પરિષદ પર મીટ માંડીને બેઠેલા નેતાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખસ કરીને ભાજપ અને કોંગ્રેસના નેતાઓને કોરોના લાગુ થયો હોવાથી વિધાન પરિષદ માટે લોબીઈંગ બંધ થઈ ગયું છે અને ઈચ્છુકો મુશ્કેલીમાં આવી ગયા છે.

હાથ પર હાથ રાખીને યાદી જાહેર થવાની વાટ જોવા સિવાય હવે તેઓ કશું કરી શકે એમ નથી.ભાજપમાં વિધાન પરિષદના વિધાનસભ્યો નક્કી કરવા માટે જેમનો શબ્દ સૌથી મહત્ત્વનો માનવામાં આવે છે તે દેવેન્દ્ર ફડણવીસ કોરોનાગ્રસ્ત થયા છે. વળી, તેઓ હાલમાં રાજ્યસભામાં છઠ્ઠી બેઠક જિતાડી લાવવા સંપૂર્ણ તાકાત કામે લગાવી રહ્યા છે. બીજી બાજુ ગમે તે પદ હોય તો પણ તેના લોબીઈંગ માટે કોંગ્રેસના નેતાઓની દિલ્હી મુલાકાત ચોક્કસ હોય છે.

જોકે સોનિયા, પ્રિયંકા ગાંધી કોરોના પોઝિટિવ આવ્યાં છે તો બીજી બાજુ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ પણ કોરોનાગ્રસ્ત છે. કોંગ્રેસમાં નેતાઓ માટે હાઈ કમાન્ડ સુધી પહોંચવાનો સૌથી મોટો માર્ગ વેણુગોપાલ માનવામાં આવે છે. જોકે તે જ દરવાજો પણ કોરોનાને લીધે બંધ થયો છે.મહારાષ્ટ્રમાં એક બાજુ ઘણા વર્ષ પછી રાજ્યસભાની ચૂંટણી મતદાન દ્વારા થવાની છે. આને કારણે 10 જૂનના મતદાન પર બધાની નજર છે. જોકે તે પૂર્વે વિધાન પરિષદ માટે અરજી ભરવાની છેલ્લી મુદત 9 જૂન છે.

10 બેઠક માટે 20 જૂને ચૂંટણી
વિધાન પરિષદની દસ બેઠક માટે 20 જૂને ચૂંટણી થવાની છે. સંખ્યાબળ અનુસાર ભાજપના ચાર વિધાનસભ્ય આસાનીથી ચૂંટાઈ આવશે, જ્યારે પાંચમા ઉમેદવાર માટે ભાજપને વધુ પ્રયાસ કરવા પડશે. બીજી બાજુ મહાવિકાસ આઘાડીના પાંચ વિધાનસભ્ય આસાનીથી ચૂંટાઈ આવશે, પરંતુ છઠ્ઠી બેઠક માટે તેમને અમુક મતોની જરૂર પડવાની છે. આથી રાજ્યસભાની પાછળ પાછળ વિધાન પરિષદમાં પણ રસ્સીખેંચ થવાની શક્યતા વધુ છે.

નોંધનીય છે કે મહાવિકાસ આઘાડીના નેતાઓએ દેવેન્દ્ર ફડણવીસને રાજ્યસભા બિનવિરોધ થાય તે માટે તેમનો એક ઉમેદવાર પાછો ખેંચી લેવા વિનંતી કરી હતી, જેની સામે વિધાન પરિષદમાં એક બેઠક ભાજપ માટે છોડી દેશે એવું જણાવ્યું હતું. જોકે ફડણવીસે તેનાથી ઊલટ વિચાર સૂચવતાં બંને પક્ષે સંમતિ સધાઈ નહોતી, જેને કારણે ચૂંટણી આવી પડી છે. વિધાન પરિષદમાં પણ તે જ સ્થિતિ સર્જાવાની છે.

અન્ય સમાચારો પણ છે...