ઐતિહાસિક ચુકાદો:ચકચારી સાકીનાકા દુષ્કર્મ અને હત્યા કેસમાં દોષીતને ડબલ ફાંસીની સજા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિંડોશી સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

સાકીનાકાના ચકચારી દુષ્કર્મ તેમ જ હત્યા કેસમાં પણ કસૂરવાર મોહન કથવારૂ ચૌહાણ (45)ને દિંડોશી સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતાં ડબલ ફાંસીની સજા ફટકારી છે. ઉપરાંત અન્ય અનુસૂચિત જાતિ અને જમાતી ધારા હેઠળ પણ સજા સંભળાવવામાં આવી છે. 10 સપ્ટેમ્બર, 2021ના રોજ મધરાત્રે સાકીનાકામાં ખૈરાણી રોડ પર ઊભેલા ટેમ્પોમાં નરાધમે 34 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું, જે પછી ગુપ્તાંગમાં સળિયો ભોંકી દીધો હતો. ત્યાર બાદ પીડિતાનું ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 11 સપ્ટેમ્બરે મૃત્યુ થયું હતું.

આ કેસમાં ફરિયાદ પક્ષે બુધવારે ચૌહાણને ફાંસીની સજા મળે એવી માગણી કરી હતી. ફરિયાદ પક્ષે કહ્યું કે આ ગુનો રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં આવે છે, જેને કોર્ટે માન્ય રાખ્યું હતું અને ગુરુવારે સજા સંભળાવવા સાથે આવા મામલામાં કસૂરવારોને કડક સજા આપવી જરૂરી છે, એમ આદેશમાં જણાવ્યું હતું.દિંડોશી કોર્ટમાં ચૌહાણને 30 મેના રોજ એડિશનલ સેશન્સ જજ એચ સી શેંડે દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમમાં વિવિધ જોગવાઈઓ હેઠળ કસૂરવાર ઠરાવ્યો હતો અને ગુરુવારે ફાંસીની સજા સંભળાવી હતી. ગયા વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે મુંબઈમાં બનેલા સાકીનાકા રેપ કેસથી આખું મુંબઈ હચમચી ગયું હતું.

પોલીસની એસઆઈટીએ ગણતરીના કલાકોમાં જ નરાધમ ચૌહાણની ધરપકડ કરી હતી. ખુદ મુખ્ય મંત્રીએ લોકોને આશ્વાસન આપ્યું હતું કે, પીડિતા અને તેના પરિવારને ન્યાય અપાવવા માટે કેસને ઝડપી ચલાવવામાં આવશે. તદનુસાર, મુંબઈ પોલીસે માત્ર 18 દિવસમાં આ મામલાની તપાસ પૂર્ણ કરી હતી અને ચાર્જશીટ દાખલ કરી હતી. 346 પાનાંની ચાર્જશીટ મુજબ પીડિતા આરોપીને પહેલેથી ઓળખતી હતી. ગુનાના 25 દિવસ પહેલાં આરોપીએ મહિલાને મળવા અને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને સફળતા મળી નહોતી.

તેથી જ જ્યારે મહિલા લાંબા સમય પછી તેને મળી ત્યારે ગુસ્સામાં આવીને નરાધમે તેની સાથે આ અમાનવીય કૃત્ય કર્યું હતું.આ ઘટનાના ઉગ્ર પડઘા પડતાં પોલીસે તાત્કાલિક તપાસ પૂર્ણ કરી અને ચાર્જશીટમાં કુલ 37 લોકોનાં નિવેદન નોંધવામાં આવ્યા હતા અને એટ્રોસિટી, દુષ્કર્મ અને હત્યાના કેસમાં તમામ તબીબી, ભૌતિક અને રાસાયણિક પુરાવા એકત્ર કરીને તપાસ પૂર્ણ કરવામાં આવી હતી, એમ પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું હતું. મુંબઈની દિંડોશી સેશન્સ કોર્ટે સોમવારે સ્પષ્ટતા કરી હતી કે આરોપી મોહન ચૌહાણને આ જ આધાર પર દોષિત ઠેરવવામાં આવી રહ્યો છે.

આ કલમો હેઠળ ફાંસી સંભળાવાઈ
ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ મરે ત્યાં સુધી ફાંસી અને રૂ. 10,000નો દંડ, કલમ 376 (એ) હેઠળ મરે ત્યાં સુધી ફાંસી, કલમ 376 (2) (એમ) હેઠળ આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ સાથે 37 (1), (એ), 135 મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ 6 મહિનાની સજા અને રૂ. 2000નો દંડ, દંડ નહીં ભરે તો 2 મહિના કારાવાસ, 3 (1) (ડબ્લ્યુ) અનુસૂચિત જાતિ જમાતી અત્યાચાર પ્રતિબંધક ધારા અનુસાર 2 વર્ષ કારાવાસ અને રૂ. 5000નો દંડ, કલમ 3 (2) (વી) હેઠળ આજીવન કારાવાસ અને રૂ. 5000ના દંડની સજા સંભળાવવામાં આવી છે.

મહિલાઓની સુરક્ષાને લઈને ભય
વકીલ મહેશ મુળેએ બુધવારે કોર્ટમાં દલીલ કરી હતી કે આ એક મહિલા અને તે પણ અનુસૂચિત જાતિની મહિલા સામે ગુનો છે, જે તેને વધુ ગંભીર બનાવે છે. તેમણે કહ્યું કે આ એક લાચાર, એકલી મહિલા પર રાત્રિ દરમિયાન થયેલો ઘાતક હુમલો છે, જેણે મુંબઈ જેવા મહાનગરમાં મહિલાઓની સુરક્ષાને લઈને ભય પેદા કર્યો છે. આથી આરોપીને ફાંસીની સજા આપવા માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...