માગ:નાયગાવ ‌BDD ચાલના નામકરણ પરથી રહેવાસીઓ દ્વારા વિરોધના કારણે વિવાદ

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નામ બદલવાની રહેવાસીઓ અને બીજા સંગઠનોની માગણી

વરલી, ના.મ.જોશી માર્ગ અને નાયગાવ બીડીડી ચાલનું નામકરણ કરવામાં આવ્યું છે અને રાજ્ય સરકારે તાજેતરમાં આ સંબંધી જીઆર જારી કર્યો છે. સરકારના આ નિર્ણયનો રહેવાસીઓએ જોરદાર વિરોધ કર્યો છે. હજી બાંધકામ પ્રાથમિક સ્તરે છે તો નામકરણની આટલી ઉતાવળ શા માટે એવો વાંધો ઉઠાવતા કેટલાક સંગઠનોએ સરકારે આપેલા નામ બદલીને મહાપુરુષોના નામ આપવાની માગણી કરી છે. તેથી આગામી સમયમાં નામકરણનો વિવાદ વકરે એવી શક્યતા છે.

વરલી, ના.મ.જોશી માર્ગ અને નાયગાવમાં 100 વર્ષ જૂની બીડીડી ચાલનો રખડી પડેલ પુનર્વિકાસ આખરે મ્હાડાના મુંબઈ મંડળ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. ભૂમિપૂજન બાદ ચાર વર્ષ વિવિધ કારણોસર પુનર્વિકાસનું કામ શરૂ થયું નહોતું. જો કે મુંબઈ મંડળના પ્રયત્નોથી અડચણો દૂર કરીને કામની શરૂઆત કરવામાં આવી છે. જો કે આ પુનર્વિકાસ નવા વિવાદમાં અટવાય એવી શક્યતા છે. આ ત્રણેય ચાલનું નામકરણ રાજ્ય સરકારે કર્યું છે જેનો વિરોધ રહેવાસીઓ અને રહેવાસી સંગઠનો દ્વારા કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના 3 જૂનના જીઆર અનુસાર વરલીની બીડીડી ચાલના પુનર્વિકાસ પછી ઊભા થનારા કોમ્પ્લેક્સને સ્વ. બાળાસાહેબ ઠાકરે નગર, ના.મ.જોશી માર્ગના કોમ્પ્લેક્સને સ્વ. રાજીવ ગાંધી નગર અને નાયગાવના કોમ્પ્લેક્સને શ્રી શરદ પવાર નગર નામકરણ કરવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયનો અખિલ બીડીડી ચાલના તમામ સંગઠનના સહિયારા સંઘે સ્વાગત કર્યું છે તો બીજા રહેવાસી સંગઠનોએ નારાજગી વ્યક્ત કરતા નામકરણનો વિરોધ કર્યો છે.

અખિલ બીડીડી ચાલના તમામ સંગઠનના સહિયારા સંઘના અધ્યક્ષ ડો. રાજુ વાઘમારેએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. રાજીવ ગાંધીને ગરીબ લોકો માટે ઘરની ઘણી ઈચ્છા હતી. યુતીના સમયમાં 1999માં સૌ પ્રથમ બાળાસાહેબ ઠાકરેના માર્ગદર્શન હેઠળ બીડીડી ચાલનો પુનર્વિકાસ પ્રકલ્પ મંજૂર કરવામાં આવ્યો હતો. હવે શરદ પવારના માર્ગદર્શન હેઠળ તેમના પ્રયત્નોથી બીડીડી ચાલના પુનર્વિકાસનું કામ પાટે ચઢ્યું છે. તેથી આ ત્રણેય નામ યોગ્ય છે અને આ જ નામથી કોમ્પ્લેક્સ ઓળખાય એ ખુશીની વાત છે. એના પરથી નાહક રાજકારણ કરવાની જરૂર નથી એવો મત ડો. વાઘમારેએ વ્યક્ત કર્યો હતો.

બીજા સંગઠનોનો જોરદાર વિરોધ
બીડીડીના બીજા સંગઠનોએ આ નામકરણનો જોરદાર વિરોધ કર્યો છે. હંમણાં આપેલા નામ મહાન વ્યક્તિના છે પણ બીડીડીની ચળવળ સાથે, ઈતિહાસ સાથે તેમનો કોઈ સંબંધ નથી. તેથી આ નામ બદલીને વરલીને ડો. બાબાસાહેબ આંબેડકર નગર નામ આપવું. બીજી ચાલીઓને છત્રપતિ શિવાજી મહારાજ નગર અને મહાત્મા ફુલે નગર નામ આપવું એવી માગણી થઈ રહી છે.

ઉપરાંત શ્રીપાદ અમૃત ડાંગે, આચાર્ય અત્રે, રણરાગિણી અહિલ્યાતાઈ રાંગણેકર, એસ.એમ.જોશી, પી.કે.કુરણે, પ્રબોધનકાર ઠાકરે નામ પણ ચર્ચાઈ રહ્યા છે. મૂળ તો પુનર્વિકાસ પૂરો થયા પછી નામકરણ કરવું જરૂરી હતું. એમાં પણ રહેવાસીઓ સાથે ચર્ચા કરીને, તેમને વિશ્વાસમાં લઈને નામકરણ કરવું જરૂરી હતું. એમ ન કરતા સરકારે પોતમેળે નિર્ણય લીધો છે એમ રહેવાસીઓનું જણાવવું છે.

અન્ય સમાચારો પણ છે...