દહિસર પૂર્વથી જોગેશ્વરી પૂર્વ મેટ્રો-7 રૂટ પરના દિંડોશી સ્ટેશનના નામકરણનો વિવાદ હાઈ કોર્ટમાં પહોંચ્યો છે. આ સ્ટેશનને દિંડોશીના બદલે પઠાણવાડી નામ આપવાની માગણી જનહિત અરજી દ્વારા કરવામાં આવી છે. જો કે આ અરજી પર સુનાવણી જોઈતી હોય તો એક લાખ રૂપિયા કોર્ટમાં જમા કરવાનો આદેશ કોર્ટે અરજદારને આપ્યો હતો. સામાજિક સંસ્થા નયી રોશનીએ આ પ્રકરણે જનહિત અરજી કરી છે.
મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ મકરંદ કર્ણિકની ખંડપીઠ સમક્ષ સુનાવણી પાર પડી હતી. એ સમયે મેટ્રો-7 રૂટમાં કુલ 14 સ્ટેશન છે. મલાડ ખાતેના એકમાત્ર સ્ટેશનને શરૂઆતમાં પઠાણવાડી નામ આપવામાં આવ્યું હતું. જો કે રાજકીય દબાણના કારણે અને બે વિધાનસભ્યોએ કરેલી માગણી બાદ આ સ્ટેશનનું નામ દિંડોશી કરવામાં આવ્યું હોવાનો આરોપ અરજદાર તરફથી કોર્ટમાં કરવામાં આવ્યો હતો.
મુંબઈના તમામ મેટ્રો પ્રકલ્પ એમએમઆરડીએ તરફથી કરવામાં આવી રહ્યા છે. તેથી મેટ્રો રૂટના સ્ટેશનના નામ બાબતે એમએમઆરડીએનું ધોરણ છે. મેટ્રો-2એ અને મેટ્રો-7ના રૂટ પરના સ્ટેશનના નજીકના પરિસર પ્રમાણે સ્ટેશનને નામ આપવાનું ધોરણ એમએમઆરડીએએ 18 જુલાઈ 2019ના નક્કી કર્યું હતું. મલાડમાં મેટ્રો-7 પ્રકલ્પનું એક જ સ્ટેશન છે જેને શરૂઆતમાં પઠાણવાડી નામ આપવામાં આવ્યું હતું.
પછીથી એ બદલવામાં આવ્યું. એમએમઆરડીએ, રાજ્ય સરકારને પઠાણવાડી નામ આપવા બાબતે પત્રવ્યવહાર કરવામાં આવ્યો પણ કોઈ પ્રતિસાદ મળ્યો ન હોવાથી જનહિત અરજી કરી એમ અરજદાર દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.