કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ બતાવેલી નવસંકલ્પનાની દિશા અને વિચાર મુંબઈ કોંગ્રેસના કાર્યકરો સુધી પહોંચાડવા માટે નવસંકલ્પ શિબિરનું આયોજન કરાયું છે. અન્યાયી અને નિરંકુશ ભાજપ સરકારમાં અને લોકતાંત્રિક કોંગ્રેસ પક્ષમાં કેટલું અંતર છે તે આ શિબિર થકી દેખાઈ આવે છે. દેશનો વિકાસ કરવો, યુવાનોને રોજગાર, લોકોની રહેણીકરણી સમૃદ્ધ બને, દેશ માટે કલ્યાણકારી યોજના લાવવાના પ્રયાસ કરવાને બદલે કેન્દ્ર સરકાર સમયાંતરે ફક્ત ધર્મને નામે ગંદું રાજકારણ કરી રહી છે, એમ કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રભારી એચ કે પાટીલે જણાવ્યું હતું.
મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપના માર્ગદર્શન હેઠળ મુંબઈ કોંગ્રેસ દ્વારા પનવેલ ખાતે બે દિવસીય નવસંકલ્પ શિબિર યોજાઈ હતી, જેની સોમવારે પૂર્ણાહુતિ થઈ. આ સમયે કાર્યાધ્યક્ષ ચરણસિંહ સપ્રા, મહેસૂલ મંત્રી બાળાસાહેબ થોરાત, વિધાનસભ્ય અમીન પટેલ, ઝિશાન સિદ્દિકી વગેરે હાજર હતા.દરમિયાન ભાઈ જગતાપે જણાવ્યું હતું કે સોનિયા ગાંધીની ઉદયપુર ખાતે શિબિરમાં પોકારેલા ભારત જોડો આંદોલનને ધ્યાનમાં રાખીને મુંબઈમાં મહાપાલિકાની આગામી ચૂંટણીમાં આખા મુંબઈના સર્વ 236 વોર્ડમાં ભારત જોડો- મુંબઈ જોડો આંદોલન શરૂ કરીશું.
દરમિયાન ભાઈ જગતાપે જણાવ્યું હતું કે કોંગ્રેસના વિચારધારા જ કોંગ્રેસનું અસ્તિત્વ છે અને આ અસ્તિત્વનું આપણે જતન કરવાનું છે. એક સમયે રાજ્ય અને કેન્દ્રમાં કોંગ્રેસની સત્તા હતી પરંતુ પછીથી ભાજપે મહારાષ્ટ્ર અને સમાજમાં ભેદ નિર્માણ કરીને જનતાને ખોટાં આશ્વાસન આપીને કેન્દ્રની સત્તા છીનવી લીધી અને આજે દેશ અને દેશની અર્થવ્યવસ્થાની વિકટ સ્થિતિ થઈ છે.
નવસંકલ્પ શિબિરનું મહત્ત્વ
જાહેર બાંધકામ મંત્રી અશોક ચવ્હાણે જણાવ્યું કે આ શિબિરમાં થયેલા વૈચારિક મંથનમાંથી જે પણ વિચાર અને દિશા મળ્યા છે તે મુંબઈ કોંગ્રેસના ખૂણાખાંચરાના કાર્યકરો સુધી પહોંચાડવા માટેની નવસંકલ્પ શિબિર છે. આ શિબિર દેશની બદલાતી પરિસ્થિતિમાં નવી સંકલ્પના અને વિચાર આપવા, નવી કાર્યપદ્ધતિ, નવી દિશા, નવી આગેકૂચ કરવા શરૂ કરેલી શિબિર છે. ગત 7-8 વર્ષમાં કેન્દ્ર સરકારે વિવિધ યંત્રણા અને પ્રસાર માધ્યમોનો મોટે પાયે દુરુપયોગ કર્યો છે. ભાજપ દ્વારા દરેક બે અઠવાડિયે કોંગ્રેસે 70 વર્ષમાં દેશની વાટ લગાવી છે એવું સૂચવતાં પુસ્તકો બહાર પાડવામાં આવી રહ્યા છે. આ ખોટા પ્રકારને યોગ્ય ઉત્તર આપવાની જરૂર છે.
અનેક મુદ્દા પર આંદોલન જરૂરી
તેને રોકવા કોંગ્રેસનો ઈતિહાસ અને કોંગ્રેસે કરેલાં ઉત્તમ કાર્યો સામાન્ય જનતા સુધી પહોંચાડવાની જરૂર ઊભી થઈ છે. દેશમાં આજે અનેક પ્રશ્ન છે. નાગરિકો ત્રસ્ત છે. બેરોજગારી અને મોંઘવારી સૌથી મોટી સમસ્યા છે. આવા મુદ્દાઓ પર કોંગ્રેસે આંદોલન કરવાની જરૂર છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.