હુકુમ:માલેગાવ કેસમાં કર્નલ પુરોહિતની ડિસ્ચાર્જ અરજીને ફગાવી દેવાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મુંબઈ હાઈ કોર્ટે સોમવારે 2008ના માલેગાવ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતની કેસમાંથી ડિસ્ચાર્જની માગણી કરતી અપીલને ફગાવી દીધી હતી. માલેગાવ બ્લાસ્ટમાં છ જણનાં મોત થયા હતા અને 101થી વધુ લોકો ઘાયલ થયા હતા. જસ્ટિસ એએસ ગડકરી અને જસ્ટિસ પ્રકાશ નાઈકની ડિવિઝન બેન્ચે આ આદેશ આપ્યો હતો. પુરોહિતની અપીલનું પ્રાથમિક કારણ સીઆરપીસીની કલમ 197(2) હેઠળ કેસ ચલાવવા માટે ભારતીય સેના તરફથી મંજૂરીનો અભાવ હતો. કોર્ટે કહ્યું, કર્નલ પુરોહિતની આ સત્તાવાર ફરજ નથી.

જોકે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ દલીલ કરી હતી કે કોઈ મંજૂરીની જરૂર નથી કારણ કે તેમની કૃતિઓ તેમની ફરજનો ભાગ નહોતી. પુરોહિતની 2008માં ધરપકડ કરવામાં આવી હતી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ અને અન્ય કેટલાક ગુનાઓ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં ભાજપના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર અને અન્ય પાંચ જણ પણ આરોપી છે. પુરોહિતને તેમની ધરપકડના નવ વર્ષ પછી, 2017માં જામીન આપ્યા હતા. એનઆઈએનો મામલો એવો છે, કે પવિત્ર રમઝાન મહિનામાં વિસ્ફોટ કરનાર એલએમએલ ફ્રીડમ મોટરસાઇકલ ઠાકુરના નામે રજિસ્ટર હતી.

ફરિયાદ પક્ષ મુજબ, આર્મી ઓફિસર હોવા છતાં, પુરોહિતે ભારતને હિન્દુ રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના ઉદ્દેશ સાથે 2007માં અભિનવ ભારત સંગઠનની રચના કરી હતી. ફરિયાદ પક્ષે ચાર્જશીટમાં જણાવ્યું હતું કે, તેઓ દેશમાં નિર્વાસિત સરકાર બનાવવા માગતા હતા. તેઓ ભારતના બંધારણથી અસંતુષ્ટ હતા અને પોતાનું બંધારણ ઘડવા માગતા હતા.

એજન્સીએ વધુમાં આક્ષેપ કર્યો હતો, કે એક બેઠકમાં બોમ્બવિસ્ફોટોની ચર્ચા કરવામાં આવી હતી અને પુરોહિત કાશ્મીરમાંથી આરડીએક્સ મેળવવા માટે જવાબદાર હતા. પુરોહિતની અરજીની સુનાવણી દરમિયાન, કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે સુનાવણી અગ્રિમ તબક્કામાં પહોંચી ત્યારે પુરોહિતની અરજી શા માટે સાંભળવી જોઈએ, 295 સાક્ષીદારની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 30ને પ્રતિકૂળ જાહેર કરવામાં આવ્યા હતા. બેન્ચે પૂછ્યું, શું તમે ઘડિયાળ પાછી ગોઠવી શકો છો?” એ પછી તેઓએ તેની અરજી પાછી ખેંચી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...