કોવિડના વાયરસનો ફેલાવો ફરીથી વધી રહ્યો છે. છેલ્લા થોડા દિવસથી કોવિડના દર્દીઓની સંખ્યા વધી રહી છે. રાજ્ય સરકાર આગામી પંદર દિવસ સુધી પરિસ્થિતિ પર નજર રાખશે. નિયંત્રણો ન જોઈએ તો નાગરિકોએ પોતે નિયમોનું પાલન કરવું. માસ્ક પહેરવો, રસીકરણ કરવું, હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું એવી હાકલ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કરી હતી. મુખ્યમંત્રીએ ગુરુવારે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો સાથે ચર્ચા કરી હતી. એ સમયે તેમણે ઉપરોક્ત સૂચનાઓ આપી હતી.
વર્ષા નિવાસસ્થાને થયેલી સમિતિ કક્ષાની બેઠકમાં મુખ્ય સચિવ મનુકુમાર શ્રીવાસ્તવ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર સીતારામ કુંટે, સાર્વજનિક આરોગ્ય વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવ ડો. પ્રદીપ વ્યાસ, મુખ્યમંત્રીના મુખ્ય સચિવ આશિષકુમાર સિંહ વગેરે ઉપસ્થિત હતા. આ સમયે કોવિડ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડો. સંજય ઓક, ડો. અજિત દેસાઈ, ડો. બજાન, ડો. શશાંક જોશી, ડો. રાહુલ પંડિત, ડો. વસંત નાગવેકર, ડો. તાત્યારાવ લહાનેએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પોતાના મત રજૂ કર્યા હતા. છેલ્લા થોડા દિવસમાં કોવિડ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતોએ આપેલી સૂચના અનુસાર કોવિડનું સંક્રમણ હજી વધશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી રાજ્ય સરકાર આગામી પંદર દિવસ પરિસ્થિતિ પર નજર રાખશે. કોવિડનો ફેલાવો થાય નહીં એ માટે નાગરિકોએ કોવિડના નિયમોનું પાલન કરવું જોઈએ એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ડો. પ્રદીપ વ્યાસ રાજ્યમાં કોવિડ વાયરસના સંક્રમણ બાબતે માહિતી આપતા જણાવ્યું કે 16 એપ્રિલ 2022ના રાજ્યમાં સૌથી ઓછા 626 સક્રિય દર્દીઓ હતા. દોઢ મહિનામાં એમાં સાત ગણો વધારો થઈને આ આંકડો 4 હજાર 500 પર પહોંચ્યો છે. મુંબઈ, થાણે, પુણે અને મહાનગર ક્ષેત્રમાં રાજ્યના કુલ દર્દીઓમાંથી 97 ટકા દર્દીઓ છે.
મુખ્યમંત્રીની નાગરિકોને હાકલ
તાવ, શરદી, ગળામાં દુખાવો હોય તો તરત કોવિડ ટેસ્ટ કરાવો. ગિરદીવાળા ઠેકાણે માસ્ક પહેરો. 12 થી 18 વર્ષના વયજૂથમાં રસીકરણ વધારો. વરિષ્ઠ નાગરિકો, બીજી બીમારી ધરાવતા નાગરિકોએ રસીકરણ કરાવવું અને બુસ્ટર ડોઝ લેવો. આરોગ્ય વ્યવસ્થાએ પાયાભૂત સુવિધાઓની તૈયારી કરી રાખવી, ઓક્સિજન, દવાઓનો સ્ટોક કરી રાખવો. થોડા દિવસમાં શરૂ થનારા ચોમાસાને લીધે પાણીજન્ય બીમારીઓ પણ ફેલાય છે. તેના લક્ષણો કોરોના જેવા જ હોવાથી ડોકટરોએ આવા દર્દીઓને સમયસર ટેસ્ટ કરાવવા જણાવવું.
ફિલ્ડ હોસ્પિટલ સજ્જ રાખો
કોવિડના સમયમાં ઊભી કરવામાં આવેલી ફિલ્ડ હોસ્પિટલ બરોબર છે કે નહીં એ જુઓ. એનું સ્ટ્રકરચલ ઓડિટ કરાવી લેવું. ત્યાં મેડિકલ કર્મચારીઓ છે કે નહીં, જરૂરી પાયાભૂત સુવિધાઓ છે કે નહીં એનો કયાસ કાઢવો. કોવિડ ટેસ્ટનું પ્રમાણ વધારવા માટે પ્રયત્ન કરવા જોઈએ. કોવિડ વાયરસનો નવો વેરિયેન્ટ હોય તો એની સંક્રમણ ક્ષમતા કેટલી છે એના પર નજર રાખો. ટૂંક સમયમાં સ્કૂલ શરૂ થશે. સ્કૂલની બાબતે વૈશ્વિક સ્તરે શું નિર્ણય લેવામાં આવ્યા છે, ત્યાં બાળકોની સંક્રમણ સ્થિતિ શું છે એ બાબતે માહિતી લેવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.