મહત્ત્વનો નિર્દેશ:CM શિંદેએ જનતાની તકલીફ જોતાં વિશેષ પ્રોટોકોલ નકાર્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય પોલીસ વડા અને કમિશનરને મહત્ત્વનો નિર્દેશ

મુખ્ય મંત્રીના કાફલાના પ્રવાસમાં વિશેષ પ્રોટોકોલની જરૂર નથી, એવી સૂચના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ પોલીસ અધિકારીઓને આપી છે. મુખ્ય મંત્રીનાં વાહનોનો કાફલો મુસાફરી કરી રહ્યો હોય ત્યારે સલામતીનાં કારણોસર માર્ગ પર ટ્રાફિક રોકવામાં આવે છે. જોકે તેને લીધે ટ્રાફિક જામ સર્જાય છે અને વાહનચાલકો હેરાન થાય છે. આથી શિંદેએ સૂચના આપી છે કે હવે પછી તેમના કાફલાને વિશેષ પ્રોટોકોલની જરૂર નથી. તેમણે રાજ્ય પોલીસ પ્રમુખ રજનીશ સેઠ અને પોલીસ કમિશનર વિવેક ફણસાલકરને આ બાબતે નિર્દેશ આપ્યા છે.

તેમણે મુખ્ય મંત્રીના રૂટ પર પોલીસની હાજરી ઘટાડવા અને વાહનોને ક્યાંય અવરોધ ન આવે તેની ખાતરી રાખવા આ સૂચના આપી છે. આ સામાન્ય માણસની સરકાર છે અને વીઆઇપી કરતાં સામાન્ય માણસને અગ્રતા મળવી જોઈએ, શિંદેએ સમજાવ્યું હતું.મુખ્ય મંત્રી તરીકે મારે સતત પ્રવાસ કરવો પડે છે, માર્ગ પરનો વાહનવ્યવહાર અવરોધિત થાય છે, જેથી ભારે ટ્રાફિક જામ સર્જાય છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન, મુખ્ય મંત્રીએ નોંધ્યું છે કે પોલીસ દળ પર કામનું ભારણ વધી રહ્યું છે, કારણ કે આ હેતુ માટે વધુ પોલીસ તહેનાત કરવામાં આવી રહી છે, જેથી લોકોને હાલાકી ભોગવવી પડે છે. અગત્યના કામ માટે બહાર જનારા લોકો ફસાઈ જાય છે. જો એમ્બ્યુલન્સ ફસાઈ જાય તો દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. તેથી મુખ્ય મંત્રીપદ સંભાળ્યા પછી, શિંદેની ભૂમિકા એ છે કે તેમની મુસાફરી માટે અન્ય લોકોની બિનજરૂરી હેરાનગતિ ન કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...