5 શિવસૈનિકની ધરપકડ:દાદરમાં શિંદ-ઠાકરે જૂથ વચ્ચે ટક્કર

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તોફાનીઓને જેવા સાથે તેવા જવાબ આપોઃ સીએમ શિંદેનો આદેશ

મુંબઈમાં પ્રભાદેવી ખાતે ગણપતિ વિસર્જન શોભાયાત્રા દરમિયાન વિવાદને કારણે શિવસેનાના શિંદે અને ઠાકરે જૂથ હમરાતુમરી પર ઊતરી આવ્યાં હતાં. આ બંને જૂથ વચ્ચે જોરદાર વિવાદ થયો હતો. આ વિવાદમાંથી મારામારી પણ થઈ હતી. શિંદે જૂથના વિધાનસભ્ય સદા સરવણકરનું નામ પણ તેમાં વગોવાયું છે. ઠાકરે જૂથના પાંચ જણની પોલીસે ધરપકડ કરી છે, જેને લીધે શિવસેના વધુ આક્રમક બની છે.

વિસર્જનના દિવસે ગણેશમંડળોને પાણી અને શરબત વહેંચવા પરથી બંને જૂથ વચ્ચે રાત્રે અથડામણ થઈ હતી, જે પછી આ ઘટનાનો વિડિયો પણ વાઈરલ થઈ ગયો હતો. આ વાદવિવાદ વચ્ચે સદા સરવણકરે હવામાં ગોળીબાર કર્યો હતો એવો આરોપ કરવામાં આવ્યો છે. આ હુમલા પ્રકરણે શિંદે જૂથના સંતોષ તેલવણેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે પછી 25 શિવસૈનિકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી પાંચ શિવસૈનિકની ધરપકડ કરવામાં આવી છે. શિવસૈનિકો પાસે ચોપર, તલવાર જેવાં હથિયારો હતાં એમ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

દરમિયાન આ મારામારી પછી મુખ્ય મંત્રી એકનાથ શિંદે અને શાખા પ્રમુખ સંતોષ તેલવણે વચ્ચે ફોન પર ચર્ચા થઈ હતી. તે પરથી શિંદેએ ઠાકરે જૂથને જેવા સાથે તેવા જવાબ આપો એવો આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે. બીજી બીજા ઠાકરે જૂથે સરવણકર સામે બંદૂક રાખવાનો અને હવામાં ગોળીબાર કરવાનો ગુનો દાખલ કરવાની માગણી કરી છે, જેની પોલીસ તપાસ કરી રહી છે.દરમિયાન શિવસેનાના સાંસદ અરવિંદ સાવંત, વિધાન પરિષદમાં વિરોધી પક્ષ નેતા અંબાદાસ દાનવે, અનિલ પરબ, શ્રદ્ધા જાધવ સહિતના શિવસૈનિકો દાદર પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને શિવસૈનિકોની જ ધરપકડ શા માટે કરવામાં આવી એવો પ્રશ્ન પૂછ્યો હતો.

શિવસૈનિકોએ પોલીસ સ્ટેશનની બહાર આંદોલન પણ કર્યું હતું.દરમિયાન સાવંતે જણાવ્યું હતું કે સરવણકર સામે ગુનો દાખલ નહીં કરાય અને શિવસૈનિકો વિરુદ્ધ કલમ 395 અનુસાર ગુના પાછળ નહીં ખેંચાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. સરકાર ગુંડાગીરી કરી રહી છે. જો આવું ચાલુ રહેશે તો અમારે જૂની શિવસેના બતાવી દેવી પડશે એવી ચીમકી પણ તેમણે આપી હતી. રાજ્યમાં કાયદો અને સુવ્યવસ્થા બગાડવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને લીધે શિવસૈનિકો શાંત છે.

અન્ય સમાચારો પણ છે...