તપાસ:તારાપુરમાં સીઆઈએસએફનો જવાન રાઈફલ સાથે લઈને ફરાર

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તારાપુર અણુઊર્જા મથક અને ભાભા અણુશક્તિ કેન્દ્રની સુરક્ષામાં હતો

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)નો એક જવાન ગુરુવારે બપોરે રાઈફલ અને 30 જીવંત કારતૂસ લઈને ફરાર થઈ ગયો છે. જવાનનું નામ મનોજ યાદવ છે. તે તારાપુર અણુઊર્જા મથક અને ભાભા અણુશક્તિ કેન્દ્રની સુરક્ષામાં તહેનાત હતો, જે દેશની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. સીઆઈએસએફ અને રાજ્ય પોલીસ દ્વારા આ અંગે તપાસ ચાલી રહી છે. આ ઘટનાને કારણે રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સની સુરક્ષાનો મુદ્દો ફરી સામે આવ્યો છે.

યાદવ ગુરુવારે બપોરે તારાપુર મથકે ફરજ પર હતો ત્યારે અચાનક તે હથિયારો સાથે ગાયબ થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મળી છે કે તેની પાસે એક એલએમજી રાઈફલ અને 30 જીવંત કારતૂસ હતાં. તારાપુર ખાતે સીઆઇએસએફ કોલોનીમાં એકલા રહેતા જવાન માટે સ્થાનિક સીઆઇએસએફ અધિકારીઓ અને કર્મચારીઓ થોડા કલાકો પછી કામ પર પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ સાંજ સુધી તેનું લોકેશન મળ્યું ન હોવાથી સીઆઈએસએફ દ્વારા તારાપુર પોલીસ સ્ટેશનને માહિતી આપવામાં આવી હતી.

દોઢ દિવસના ગણપતિ જાગરણમાં પોલીસ કર્મચારીઓ હોવાથી આ કેસમાં ફરિયાદ નોંધવામાં મોડું થયું હતું. ગુરુવારે રાત્રે પોલીસે આ વિસ્તારના તમામ શંકાસ્પદ સ્થળોની તપાસ કરી હતી તેમ જ તેના મોબાઈલ ફોનના આધારે તેના ઠેકાણાની મોબાઈલ ટ્રેકિંગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મથક અને સુરક્ષા ચોકીઓના સીસીટીવી ફૂટેજની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે.

હાલમાં આ જવાનનો મોબાઈલ ફોન સ્વિચ ઓફફ હોવાનું વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળે છે અને તે ઘરેલુ કે જમીન વિવાદને કારણે હથિયાર લઈને ફરાર થઈ ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ જવાનની માનસિક હાલત ખરાબ થઈ ગઈ છે અને 30 જીવતા કારતુસ સાથે ફરાર થઈ જવું ચિંતાનો વિષય બની ગયો છે. આ અંગે પાલઘરના એડિશનલ એસપી પ્રકાશ ગાયકવાડે પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...