ભાસ્કર વિશેષ:કેન્સર પર જરૂરી કેમોથેરપી હવે ઘેરબેઠાં મળશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતી દ્વારા શરૂ કરવામાં આવેલી કેમોએટહોમ સર્વિસીસઅનોખી સેવા

ગુજરાતી વેપાર સાહસિક જિજ્ઞેશ પટેલ દ્વારા મુંબઈમાં કેન્સરના દર્દીઓ માટે જરૂરી કેમોથેરપી સેવા ઘેરબેઠા મળી રહે તેવી સુવિધા શરૂ કરવામાં આવી છે. કેન્સરના દર્દીઓને ઘેરબેઠાં હોસ્પિટલ જેવી, સુરક્ષિત કેમોથેરપી કિફાયતી ખર્ચે મળે તે માટે કેમોએટહોમ સર્વિસીસનો આરંભ કરવામાં આવ્યો છે.

આ સેવામાં કેમોથેરપી ઉપચાર સુરક્ષિત રીતે પ્રદાન કરવા માટે ઓન્કોલોજિસ્ટ, તબીબી અધિકારી અને ઓન્કો- નર્સીસનો સમાવેશ ધરાવતી બહુવ્યાવસાયિક ટીમને એકત્ર લાવવામાં આવી છે. ખાસ કરીને ક્લિનિક કે હોસ્પિટલમાં દર્દી અનુભવે તેવા જ સુરક્ષા અને ગુણવત્તાના પ્રોટોકોલ્સનો ઉપયોગ કરીને કેમોથેરપી આપવામાં આવશે. કોઈ પણ આડઅસર ટાળવા માટે અમારા ઓન્કોલોજિસ્ટ દ્વારા ઉત્તમ સંશોધન કરાયેલી જોખમ આકલન સમીક્ષા કેમોથેરપી આપવા પૂર્વે કરવામાં આવશે. સુરક્ષિત કેમોથેરપીમાં હોસ્પિટલમાં કેમોથેરપીનાં બે સત્ર રહેશે.

બ્લડ કેન્સર, ઘણી બધી સહમાંદગીઓ, હૃદયની સમસ્યા (40 ટકાથી ઓછું લેફ્ટ વેટ્રિક્યુલર ઈજેકશન ફ્રેકશન) અને એમએચડી પર કિડનીના વિકાર સાથેના દર્દીઓને આ સેવા નહીં આપી શકાય, એમ જીવિકા હેલ્થકેરના સ્થાપક જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું. હોસ્પિટલના તુલનામાં આ સેવા પર 20થી 25 ટકા સુધી ખર્ચમાં બચત થશે. વળી, હોસ્પિટલમાં કેમોથેરપી સત્ર માટે દર્દીએ 12-15 કલાક આપવા પડે છે, જ્યારે કેમોએટહોમમાં ફક્ત 2-5 કલાકમાં પ્રક્રિયા પૂરી થશે.

પિતાની કેન્સરની લડાઈમાંથી વિચાર
જિજ્ઞેશભાઈ અનુસાર પિતાની કેન્સર સામે લડાઈ આ સેવા લાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ છે. તેઓ જંગ હારી ગયા પરંતુ અમે તેમાંથી અમુક જીત મેળવી અને તે કેમોએટહોમ થકી અન્ય પીડિતોની પીડા ઓછી કરવા અમને પ્રેરિત કરે છે. 2019માં અમે વેક્સિનઓનવ્હીલ્સની પહેલ કરી હતી, જેને ઉત્તમ સફળતા મળી હતી.

નાનાં શહેરોમાં પહોંચવાનું લક્ષ્ય
નાનાં શહેરોમાં કેમો ડે કેર સુવિધા હજુ પણ સ્વપ્નવત છે. ટિયર 3 અને તેની પાર શહેરોમાં આ સુવિધાનો અભાવ મોટી ચિંતા છે અને અમુક દર્દીઓ તેને કારણે ઉપચાર અધવચ્ચે છોડી દે એવી સંભાવનાઓ રહેલી છે. આવા સંજોગોમાં કેમોએટહોમ આશીર્વાદરૂપ બની શકશે, એમ તેમણે જણાવ્યું હતું. આગામી દિવસોમાં ભારતનાં 10 ટોચનાં શહેરોમાં આ સેવા અપાશે.

અન્ય સમાચારો પણ છે...