નવી મુંબઈ પોલીસે મરાઠી અભિનેતા કેતકી ચિતળે સામે 2020ના એક પ્રકરણમાં ચાર્જશીટ દાખલ કરી છે. બૌદ્ધ ધર્મ પર અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર વિરુદ્ધ સોશિયલ મિડિયામાં વાંધાજનક પોસ્ટ બાદ મુશ્કેલીમાં મુકાયાના ગણતરીના દિવસોમાં 19 મેના રોજ કેતકીની 2020ના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અમે એક મજબૂત ચાર્જશીટ બનાવી છે અને વિવિધ વ્હોટ્સએપ ચેટ્સનો પણ સમાવેશ કર્યો છે. તેમાં કેતકીએ ફેસબુક પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો સમાવેશ થાય છે, એમ વાશી વિભાગના એસીપી ડીડી તેલીએ જણાવ્યું હતું.
મરાઠી ફિલ્મ અને ટીવી અભિનેત્રી કેતકી (29)એ શરદ પવાર પર હુમલો કરતી એક સોશિયલ મિડિયા પોસ્ટ માટે તેની સામે નોંધાયેલા બહુવિધ કેસોના સંબંધમાં 14 મેના રોજ તેની ધરપકડ પછી જેલમાં છે. કેતકીએ કહ્યું હતું કે અન્ય કોઈ અન્ય દ્વારા તે કવિતા લખવામાં આવી હતી અને તેણે ફક્ત શેર કરી હતી. તેની સામે આ કેસ લોકોમાં અસંતુષ્ટિ ફેલાવવા અને બે વર્ગ વચ્ચે દુશ્મનાવટ અને નફરતને પ્રોત્સાહન આપવા સંબંધિત કલમો હેઠળ નોંધવામાં આવ્યા છે.
કેતકી વિરુદ્ધ 2020નો કેસ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ નોંધવામાં આવ્યો હતો. તેલીએ કહ્યું, એફઆઈઆરમાં ઉલ્લેખિત તમામ કલમોનો ચાર્જશીટમાં ઉલ્લેખ છે. વકીલ સ્વપ્નિલ જગતાપે માર્ચ 2020માં કેતકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.વકીલે કહ્યું કે તેઓએ મંગળવારે નવી મુંબઈ કોર્ટ દ્વારા સુનાવણીમાં તેની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આ જ અદાલતે અગાઉ આ કેસમાં તેની ધરપકડ પહેલાં તેના આગોતરા જામીનને ફગાવી દીધા હતા અને તેમ છતાં, તે સમય દરમિયાન, તેણે પવાર સામે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી.
તે એક અભિનેત્રી છે અને તેના જાહેર અભિપ્રાયને જાહેર જનતાને પ્રભાવિત કરે છે. આવી સ્થિતિમાં, તેણે કોઈ પણ ટિપ્પણી કરતી વખતે વધુ જવાબદાર બનવું જોઈએ. એવું લાગે છે કે તે કોઈની દોરવણી પર કામ કરી રહી છે, કારણ કે તે બહુ વ્યૂહાત્મક રીતે વર્તી રહી છે, એમ જગતાપે કહ્યું હતું.કેતકીએ મુંબઈ હાઈ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં દલીલ કરી કે લોકોને ડરાવવા માટે તેને નિશાન બનાવવામાં આવી રહી છે, તેની પરના આરોપોને તેણે નકારી કાઢયા હતા. તેણે પવાર પર પોસ્ટ કર્યા પછી તેની સામે દાખલ કરાયેલી એફઆઈઆરને કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ તરીકે વર્ણવ્યું અને હાઈ કોર્ટને એફઆઇઆર રદ કરવા વિનંતી કરી હતી.
વકીલોનું એક જૂથ રાજ્યપાલને મળ્યું
દરમિયાન વકીલોનું એક જૂથ પણ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને હાલમાં મળ્યું અને નિષ્પક્ષ તપાસ માટે અભિનેત્રી કેતકીને સંડોવતા કેસોની સીબીઆઈ તપાસની માગ કરી હતી. આ જૂથે 14 મેના રોજ ધરપકડ કરવામાં આવી રહી હતી ત્યારે કલંબોલી પોલીસ સ્ટેશનની બહાર ચિતળે પર કથિત હુમલાની તપાસની પણ માગણી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.