નિર્ણય:ધોરણ-11 માટે ઓનલાઈન પ્રવેશના નિયમમાં ફેરફાર

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ પસંદની કોલેજ નકારે તો પણ આગળની ફેરીમાં પ્રવેશની તક

અગિયારમા ધોરણ માટે ઓનલાઈન પ્રવેશમાં આ વર્ષે ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલી પસંદની કોલેજ મળવા છતાં પ્રવેશ નકારનારા વિદ્યાર્થીઓને હવે નિયમિત પ્રવેશ ફેરીમાંથી બાકાત ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓની તરત પછીની એક ફેરીમાં પ્રવેશ માટે તક નહીં મળે પણ એ પછીની ફેરીઓમાં વિદ્યાર્થી નવેસરથી અરજી કરી શકશે. આ સંદર્ભે જીઆર જારી કરવામાં આવ્યો છે.

અગિયારમા ધોરણ માટે ઓનલાઈન પ્રવેશમાં વધુ સુસૂત્રતા લાવવા સ્કૂલ શિક્ષણ વિભાગે આ વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં કેટલાક ફેરફાર કર્યા છે. અત્યાર સુધી પહેલી પસંદની કોલેજમાં પ્રવેશ મળવા છતાં નકારતા વિદ્યાર્થીને નિયમિત ફેરીમાંથી બાકાત કરવામાં આવતા હતા. તેથી દર વર્ષે પ્રવેશ પ્રક્રિયા પૂરી થવા છતાં પ્રવેશ ન મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી હતી. આ વિદ્યાર્થીઓ પછી વિશેષ ફેરીમાં ખાલી રહેલી સીટ પર પ્રવેશ આપવામાં આવતો હતો. તેથી ગુણવત્તા હોવા છતાં વિદ્યાર્થીઓએ બચેલી ખાલી સીટ પર પ્રવેશ લઈને સંતોષ માનવો પડતો હતો.

હવે પહેલી પસંદની કોલેજ નકારનારા વિદ્યાર્થીઓને પછીની ફક્ત એક જ ફેરીમાં બાકાત રાખવામાં આવશે અને એ પછીની ફેરીમાં પ્રવેશની તક આપવામાં આવશે. ઉપરાંત પ્રવેશ લઈને રદ કરનારા અને જુનિયર કોલેજમાં પ્રવેશ નકારનારા વિદ્યાર્થીઓ માટે પણ આ જ ધોરણ લાગુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...