આ વર્ષે ચોમાસાનો સામનો કરવા માટે પશ્ચિમ અને મધ્ય રેલવેએ વિવિધ કામની એક મહિના પહેલાં જ શરૂઆત કરી હતી. આ કામ મે મહિનામાં પૂરા થયા છે અને આ વર્ષે પાટા ઉપર પાણી ભરાશ નહીં એવો દાવો પશ્ચિમ રેલવે પ્રશાસને કર્યો છે. નાળા, ગટરની સફાઈ કરવા સાથે પાણી ઉલેચવા પંપ લગાડવામાં આવ્યા છે. ચોમાસાનો સામનો કરવા રેલવે સજ્જ છે એવી માહિતી આપવામાં આવી છે. મધ્ય રેલવેમાં હજી પણ કામ ચાલુ છે જેને ઝડપી બનાવવામાં આવ્યા છે.
દર વર્ષે ચોમાસામાં મધ્ય અને પશ્ચિમ રેલવે ઉપનગરીય રેલવેના પાટા ઉપર પાણી ભરાઈ જાય છે. નાળાસફાઈ કર્યાનો દાવો રેલવે પ્રશાસન કરે છે જે ખોટો સાબિત થાય છે. આ વર્ષે પણ પાણી ભરાઈ જતા લોકલ અને મેલ-એક્સપ્રેસ ટ્ર્રેનનું ટાઈમટેબલ ખોરવાય નહીં એ માટે ચોમાસા પહેલાં વિવિધ કામ કરવામાં આવ્યા છે.
ચર્ચગેટથી મરીન લાઈન્સ, મુંબઈ સેંટ્રલથી ગ્રાન્ટ રોડ, પ્રભાદેવીથી દાદર, દાદરથી માહિમ જંકશન, માહિમથી બાન્દરા, બાન્દરાથી ખાર રોડ, અંધેરીથી જોગેશ્વરી, બોરીવલીથી દહિસર, વસઈ રોડથી નાલાસોપારા, નાલાસોપારાથી વિરાર, વિરારથી વૈતરણા અને વૈતરણાથી સફાલે પાણી ભરાતા હોય એવા અસુરક્ષિત ઠેકાણાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
આ ભાગમાં 44 ગટર અને 55 નાળાની સફાઈ મે મહિનામાં પૂરી કર્યાની માહિતી મધ્ય અને પશ્ચિંમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે આપી હતી. પાણી ભરાતા હોય એવા ઠેકાણે 142 પંપ લગાડવામાં આવ્યા છે. એક હજાર કરતા વધુ ઝાડની ડાળીઓ કાપવામાં આવી છે.
મધેય રેલવેમાં મસ્જિદ રોડ સ્ટેશન, સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન, ભાયખલા, ચિંચપોકલીથી કરી રોડ, પરેલ, દાદરથી સાયન, કુર્લા, વિક્રોલી, કાંજુરમાર્ગ, ભાંડુપ, મુલુંડ, થાણે તેમ જ હાર્બર લાઈનમાં તિલકનગર, ચુનાભઠ્ઠી, ટ્રોમ્બે, જીટીબી નગર જેવા ઠેકાણે પાણી ભરાઈ જાય છે. 55 નાળાના કામ ચાલુ છે.
સીએસએમટીથી કલ્યાણ, વાશી, કુર્લાથી ટ્રોમ્બે કુલ 60 કિલોમીટરના પટ્ટામાં પાટાની ઉંચાઈ વધારવામાં આવી રહી છે. કામ ઝડપથી કરવામાં આવી રહ્યા છે. ચોમાસુ શરૂ થયા પહેલાં પૂરા કરવામાં આવશે એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું. મધ્ય રેલવે તરફથી 118 પંપ લગાડવામાં આવ્યા છે જેમાં 53 પંપ સૌથી અસુરક્ષિત ઠેકાણે લગાડવામાં આવશે.
ગિરદીવાળા 16 રાહદારી પુલ
16 રાહદારી પુલ, 10 લિફ્ટ, 19 એસ્કેલેટર ગિરદીવાળા છે જેના પર વધુ ધ્યાન આપવામાં આવે છે. કોઈ પણ અકસ્માત ન થાય એ માટે રેલવે સુરક્ષા દળના જવાન ત્યાં તૈનાત કરવામાં આવશે એમ પશ્ચિમ રેલવે તરફથી જણાવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.