ભાસ્કર વિશેષ:મધ્ય અને પ. રેલવેના સ્ટેશનમાં 86 એસ્કેલેટરનો ઉમેરો

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આબાલવૃદ્ધ સહિત સામાન લઈ જતા પ્રવાસીઓ માટે હવે ઘણી રાહત થશે

આબાલવૃદ્ધો સહિત સામાન સાથે પ્રવાસ કરતા પ્રવાસીઓની સગવડ માટે મધ્ય અને પશ્ચિમ રેલવેના ઉપનગરીય સ્ટેશનમાં એસ્કેલેટર લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ સાથે જ કેટલાક સ્ટેશનમાં એસ્કેલેટરની સંખ્યામાં વધારો કરવામાં આવશે. એના લીધે સ્ટેશનમાંથી ઝટ બહાર નીકળવું અને પહોંચવું શક્ય થશે. સ્ટેશનમાં માર્ચ 2023 સુધી વધુ 86 એસ્કેલેટરનો ઉમેરો થશે એવી માહિતી રેલવે પ્રશાસન તરફથી આપવામાં આવી હતી. એમાં સૌથી વધુ એસ્કેલેટર મધ્ય રેલવેના સ્ટેશનમાં લગાડવામાં આવશે. કેટલાક પ્રવાસીઓ એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા પાટા ઓળંગે છે.

ઓફિસના સમયમાં રાહદારી પુલ પર ઘણી ગિરદી હોય છે. તેથી પુલ પરથી જવાના બદલે પ્રવાસીઓ પાટા ઓળંગવાનું જોખમ લે છે અને કેટલીક વખત એ જીવલેણ નીવડે છે. આ ઘટના રોકવા માટે તથા વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ, ગર્ભવતી મહિલાઓ સહિત તમામ સામાન્ય પ્રવાસીઓની સગવડ માટે રેલવે સ્ટેશનમાં એસ્કેલેટર અને લિફ્ટ લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અત્યારે પશ્ચિમ રેલવેના ઉપનગરીય સ્ટેશનમાં 86 એસ્કેલેટર છે. 2023 સુધી વધુ 18 એસ્કલેટર લગાડવામાં આવશે એવી માહિતી મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે આપી હતી. મધ્ય રેલવેના મુંબઈ વિભાગના ઉપનગરીય સ્ટેશન અને ટર્મિનસમાં કુલ 109 એસ્કેલેટર છે. પ્રવાસીઓની સુવિધા માટે 2023 સુધી વધુ 68 એસ્કેલેટર લગાડવામાં આવશે. એમાંથી 13 એસ્કેલેટર ડિસેમ્બર 2022 સુધી લગાડવાનો પ્રયત્ન છે એવી માહિતી મધ્ય રેલવેના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું. આ દરેક એસ્કેલેટરની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે.

કયા સ્ટેશનમાં એસ્કેલેટર?
મધ્ય રેલવેમાં કાંજુરમાર્ગ, ઠાકુર્લી, ભાયખલા, મુલુંડ, મુંબ્રા અને ઈગતપુરી સ્ટેશન એમ દરેકમાં 2 એસ્કેલેટર અને આંબિવલી સ્ટેશનમાં એક એસ્કેલેટર ડિસેમ્બર 2023 સુધી લગાડવામાં આવશે. પશ્ચિમ રેલવેમાં મહાલક્ષ્મી, બાન્દરા, બાન્દરા ટર્મિનસ, સાંતાક્રુઝ, અંધેરી, જોગેશ્વરી, દહિસર, વશી રોડ, સફાલે, વાનગાવ સ્ટેશમાં એસ્કેલેટર લગાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...