આદેશ:પરબના રિસોર્ટ પર અહેવાલ રજૂ કરવા પર કેન્દ્રનો મહારાષ્ટ્રને આદેશ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનધિકૃત બાંધકામ સામે શું કાર્યવાહી કરી તેનો જવાબ મગાવ્યો

શિવસેનાના નેતા અને પરિવહન મંત્રી અનિલ પરબની સામે દાપોલી ખાતેના રિસોર્ટ પ્રકરણમાં મુશ્કેલીઓ વધુ વધવાની શક્યતા છે. મહારાષ્ટ્ર સરકારને અહીંના અનધિકૃત બાંધકામ સામે શું કાર્યવાહી કરવામાં આવી છે એવો પ્રશ્ન કેન્દ્રીય મંત્રાલયે પૂછ્યો છે. ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયે મહારાષ્ટ્ર સરકારને આ કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવા માટે જણાવ્યું છે.આને કારણે હવે અનિલ પરબ સામે મુશ્કેલીઓ ઓર વધી છે. કેન્દ્ર સરકારે ખુલાસો મગાવ્યા પછી મહાવિકાસ આઘાડી સરકાર પોતાના રિપોર્ટમાં શું જણાવે છે તેની તરફ હવે બધાનું ધ્યાન કેન્દ્રિત થયું છે.

છેલ્લા થોડા દિવસોથી ભાજપના નેતા કિરીટ સોમૈયાએ પરબ પર મોટી કાર્યવાહી થશે એવા સંકેત આપ્યા હતા. ગયા અઠવાડિયામાં પરબ સાથે સંબંધિત માલમતાપર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. હવે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના આ પત્રને લીધે પરબ અને આઘાડી સરકાર સામે મોટું સંકટ ઊભું થયું છે.કેન્દ્ર સરકારે 31 મે, 2022ના રોજ મહારાષ્ટ્ર સરકારને પત્ર પાઠવ્યો છે.

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય, વન અને હવામાન પરિવર્તન વિભાગ તરફથી આ પત્ર મોકલવામાં આવ્યો છે. પરબના દાપોલી ખાતેના સાઈ એનએક્સ અને સી કોચ રિસોર્ટના બાંધકામમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) અંતર્ગત શું કાર્યવાહી કરવામાં આવી છે તેની સ્થિતિ જાણી લેવા માટે આ પત્ર છે.

મેં કોઈ ખોટું કામ કર્યું નથીઃ પરબ : દરમિયાન અગાઉ પરબ અને તેમના નિકટવર્તીઓ પર ઈડી દ્વારા થોડા દિવસ પૂર્વે વ્યાપક દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી લગભગ 14 કલાક ચાલી હતી. ઈડીના અધિકારીઓએ અમુક દસ્તાવેજો અને ફાઈલો કબજામાં લીધી હતી. આ પછી પરબે જણાવ્યું હતું કે મેં કશું ખોટું કર્યું નથી. તપાસમાં સહયોગ આપ્યો છે અને આગળ પણ આપતો રહીશ.

બે રિસોર્ટ માટે નોટિસ
ભાજપના માજી સાંસદ કિરીટ સોમૈયાએ સીઆરઝેડનું ઉલ્લંઘન થવા પ્રકરણે શું કાર્યવાહી કરવામાં આવી છે તેનો અહેવાલ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે મગાવ્યો છે એવી માહિતી આપી છે. આ સંબંધમાં પર્યાવરણ સંરક્ષણ કાયદો 1986ની કલમ 5 અનુસાર મહારાષ્ટ્ર સરકારે રિસોર્ટ પર શું કાર્યવાહી કરવામાં આવી છે તેનો અહેવાલ ટૂંક સમયમાં રજૂ કરવાનો રહેશે.

રત્નાગિરિ જિલ્લામાં દાપોલી તહેસીલ અંતર્ગત મુરુડ ખાતે ગેટ નંબર 446માં સાઈ રિસોર્ટ એનએક્સ અને દાપોલી તહેસીલ અંતર્ગત મુરુડ ખાતે ગેટ નંબર 446માં સી કોચ રિસ્રોટ માટે આ નોટિસ આપવામાં આવી છે. આથી હવે સરકાર શું જવાબ આપે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...