ભાસ્કર વિશેષ:મુંબઈ શહેરના 450 રસ્તાઓનું સિમેન્ટ-કોંક્રિટીકરણ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક રસ્તા પર 500 થી 1 હજાર મીટર લાંબા ભાગમાં કામ થશે, બે વર્ષમાં રસ્તા ખાડામુક્ત કરાશે

દર વર્ષે ચોમાસામાં ખાડાવાળા રસ્તાના કારણે નાગરિકોને થતી હેરાનગતિ અને મુખ્યમંત્રીએ બેવર્ષમાં રસ્તા ખાડામુક્ત કરવાની કરેલી ઘોષણાને ધ્યાનમાં રાખતા મુંબઈ મહાપાલિકાએ શહેર અને પૂર્વ-પશ્ચિમ ઉપનગરોના 450 રસ્તાઓ પર 500 થી 1 હજાર મીટર જેટલા ભાગનું સિમેન્ટ-કોંક્રિટીકરણ કરવાનો નિર્ણય લીધો છે. એના માટે સાડા પાંચ હજાર કરોડ રૂપિયા જેટલો ખર્ચ અપેક્ષિત છે. રસ્તાના સિમેન્ટ-કોંક્રિટીકરણ માટે ટેંડર મગાવવામાં આવ્યા છે. આગામી ત્રણ અઠવાડિયામાં ટેંડર પ્રક્રિયા પૂરી થશે એવી અપેક્ષા રસ્તા વિભાગના અધિકારીઓએ વ્યક્ત કરી છે.

રસ્તાઓના દરજ્જા માટે ટેંડર પ્રક્રિયાના નિયમ સખત કરવામાં આવ્યા છે. ખાતરી સમયગાળામાં દર વર્ષે રસ્તાઓનો દરજ્જો તપાસવામાં આવશે. એ પછી જ કોન્ટ્રેક્ટરને કોન્ટ્રેક્ટની 20 ટકા રકમ આપવામાં આવશે. ખાડાવાળા રસ્તાઓના કારણે મુંબઈ મહાપાલિકા સહિત વિવિધ યંત્રણાની ટીકા થાય છે. એકંદરે આ બાબતની ગંભીર નોંધ લેતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બે વર્ષમાં મુંબઈના રસ્તાઓને ખાડામુક્ત કરવાની ઘોષણા કરી હતી. મહાપાલિકાએ મુંબઈના લગભગ 450 નાના રસ્તાઓ પર 500 થી 1 હજાર મીટર જેટલા ભાગનું સિમેન્ટ-કોંક્રિટીકરણ કરવાનો નિર્ણય લીધો છે.

પહેલા તબક્કામાં લગભગ 400 કિલોમીટર લાંબા રસ્તાઓનું કામ કરવામાં આવશે. એના માટે અંદાજે સાડા પાંચ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. મુંબઈ શહેરમાં 1, પૂર્વ ઉપનગરોમાં 1 અને પશ્ચિમ ઉપનગરોમાં 3 એમ કુલ 5 ટેંડર મગાવવામાં આવ્યા છે. આગામી ત્રણ અઠવાડિયામાં ટેંડર ખોલવામાં આવશે. ટેંડર પ્રક્રિયા પૂરી કરીને કામ શરૂ કરવામાં આવશે એમ રસ્તા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. એ સાથે જ ફેબ્રુઆરી-માર્ચમાં વધુ 400 કિલોમીટર લાંબા રસ્તાનું સિમેન્ટ-કોંક્રિટીકરણ કરવા માટે ટેંડર મગાવવામાં આવશે.

દર વર્ષે ચોમાસામાં મુંબઈના રસ્તાઓ પર પડતા ખાડા ચર્ચાનો વિષય બને છે. રસ્તાનો રિપેરીંગ પર સવાલ ઊભા થાય છે. મુખ્યમંત્રીએ કરેલી ઘોષણા અને નાગરિકોને આ હેરાનગતિથી મુક્ત કરવા મુંબઈના રસ્તાઓનું તબક્કાવાર સિમેન્ટ-કોંક્રિટીકરણ કરવામાં આવશે. 400 કિલોમીટર લાંબા રસ્તાના કોંક્રિટીકરણ માટે ટેંડર મગાવ્યા છે અને ટૂંક સમયમાં ટેંડર પ્રક્રિયા પૂરી કરીને કામ શરૂ કરવામાં આવશે એમ મુંબઈ મહાપાલિકાના અતિરિક્ત આયુક્ત પી. વેલરાસુએ જણાવ્યું હતું.

ખાતરી સમયગાળો 10 વર્ષ
રિપેરીંગ કર્યા પછી પણ રસ્તા પર વારંવાર ખાડા પડતા હોવાનું જણાયું છે. તેથી રસ્તાના કામના દરજ્જા બાબતે પ્રશ્ન નિર્માણ થાય છે. આ બાબત ધ્યાનમાં લેતા પ્રશાસને રિપેરીંગ કરવામાં આવતા રસ્તાઓનો ખાતરી સમયગાળો 10 વર્ષ કર્યો છે. આ રસ્તાઓની જવાબદારી આગામી 10 વર્ષ સુધી કોન્ટ્રેક્ટરની રહેશે. આ પહેલાં ખાતરી સમયગાળો 5 વર્ષ હતો. ઉપરાંત કોન્ટ્રેક્ટમાંથી 20 ટકા રકમ મહાપાલિકાની તિજોરીમાં રહેશે.

લોકોને માહિતી મળશે
રસ્તાના કામ શરૂ કરવા પહેલાં સંબંધિત ઠેકાણે દુર્ઘટના ટાળવા રોડબ્રેકર ઊભા કરવામાં આવશે. હવે આ રોડબ્રેકર પર એક કોડ નંબર આપવામાં આવશે. મોબાઈલમાં એ સ્કેન કર્યા પછી સંબંધિત કામ બાબતની માહિતી નાગરિકોને મળશે. સિમેન્ટ-કોંક્રિટના રસ્તા પર ચોમાસામાં પાણી ન ભરાય એ માટે સોકપિટની વ્યવસ્થા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...