સેલિબ્રિટી કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફને સોશિયલ મિડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસ દ્વારા એક જણની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. મનવિંદર સિંહ તરીકે ઓળખાતો આરોપી ઉત્તર પ્રદેશના લખનૌનો રહેવાસી છે અને તે મુંબઈમાં ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, આરોપી એક્ટર કેટરીના કૈફનો ફેન છે.
અગાઉ રવિવારે, સાંતાક્રુઝ પોલીસે એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.પોલીસે જણાવ્યું કે, અભિનેતાએ રવિવારે સાંજે તેના મેનેજર દ્વારા સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આમાં વિકીએ કહ્યું કે એક જણ તેની પત્ની કેટરિનાનો સોશિયલ મિડિયા પર પીછો કરી રહ્યો છે. તેણે મને પણ જાનથી મારવાની ધમકી આપી હતી. વિકી કૌશલે ફરિયાદમાં કહ્યું કે આરોપી ઇન્સ્ટાગ્રામ પર ધમકીભર્યા મેસેજ પોસ્ટ કરતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, તેમને ધમકીઓ આપવાનો આ સિલસિલો ઘણા દિવસોથી ચાલી રહ્યો હતો. ફરિયાદના આધારે સાંતાક્રુઝ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 506-II (ગુનાહિત ધાકધમકી) અને 354-D (પીછો કરવો), આઈટી એક્ટ હેઠળ વ્યક્તિ વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. કેટરિના કૈફ અને વિકી કૌશલે 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લક્ઝુરિયસ સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં લગ્ન કર્યાં હતાં.
આરોપી કેટરીના સાથે લગ્ન કરવા માગતો હતો : મુંબઇ પોલીસના હાથે ઝડપાયેલો આરોપી મનવિંદર સિંહ કેટરિના કૈફનો મોટો ચાહક હોવાનું કહેવાય છે. તે અભિનેત્રી સાથે લગ્ન કરવા માગતો હતો અને તેથી જ છેલ્લા કેટલાક મહિનાઓથી તે તેને સોશિયલ મિડિયા પર સતત પરેશાન કરતો હતો. તે અભિનેત્રી સાથેના એડિટ કરેલા વિડિયો અને તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતો હતો.
સલમાનને પણ ધમકી મળી હતી
થોડા દિવસો પહેલા સલમાન ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. વાસ્તવમાં આ આખો મામલો 5 જૂનની સવારે ત્યારે સામે આવ્યો જ્યારે સલમાનના પિતા સલીમ મોર્નિગ વોકમાં નીકળ્યા હતા. રસ્તામાં એક અજાણી વ્યક્તિએ તેને અને સલમાનને મારી નાખવાની ધમકી આપતો પત્ર આપ્યો હતો. પત્રમાં લખવામાં આવ્યું હતું કે સલમાન ખાનની હાલત સિદ્ધુ મુસેવાલા જેવી કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.