લાલબાગમાં જૈન મહિલાની હત્યા કરીને લાશના ટુકડેટુકડા કરીને ઘરમાં છુપાવીને મહિનાઓથી કોહવાયેલી લાશની દુર્ગંધ વચ્ચે રહેનારી પુત્રીની પોલીસે ધરપકડ કરી છે. ઘરમાંથી પોલીસે ઈલેક્ટ્રિક માર્બલ કટર, કોયતો અને છરો જપ્ત કર્યા છે. લાલબાગની ગેસ કંપની લેનમાં ઈબ્રાહિમ કાસમ ચાલમાં પહેલા માળે રૂમ 22માં રહેતી વીણા પ્રકાશ જૈન (55)ની હત્યા સંબંધે પોલીસે તેની પુત્રી રિંપલ (24)ની ધરપકડ કરી છે. વીણા તેની પુત્રી સાથે 2005થી અહીં રહેતી હતી. જોકે છેલ્લા કેટલાક મહિનાથી વીણાનો સંપર્ક થતો નહોતો. આથી તેની પુત્રીને પૂછતાં તે અલગ અલગ જવાબ આપીને માતા વિશે કહેવાનું ટાળતી હતી.
આખરે વીણાના ગુંડેચા ગાર્ડનમાં રહેતા ભાઈ સુરેશકુમાર ફૂલચંદ પોરવાલે (60) પોતાની પુત્રીને વીણાના ઘરે મોકલી હતી. પુત્રી ત્યાં આવતાં પાડોશીઓએ કહ્યું કે ડોશી કેટલાય દિવસથી દેખાતી નથી. ઘરમાંથી દુર્ગંધ આવે છે. ઈમારતમાં ટોઈલેટ કોમન હોવાથી ત્યાં પણ આવતીજતી દેખાતી નથી. આ અંગે રિંપલને પૂછતાં તે નીચે હોટેલમાં ઉંદરો ફરે છે, તેમાંથી એકાદ મરી ગયો હશે તેની દુર્ગંધ આવતી હશે, એમ કહીને વાત ટાળતી હતી. વીણા વિશે પૂછતાં ક્યારેક કાનપુર ગઈ છે, આરામ કરે છે એવું કહીને વાત ટાળતી હતી. અમુક વાર ઘરમાંથી માતા- પુત્રી ઝઘડો કરતી હોય તેવો અવાજ આવતો હતો, એમ પાડોશીઓએ જણાવ્યું હતું.
આ વાતની જાણ સુરેશકુમારને કરાતાં મામલો ગંભીર હોવાથી તેમણે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. વીણાનો પતિ લાંબા સમય પૂર્વે અવસાન પામ્યો છે, જે પછી માતા- પુત્રી એકલી જ આ ઘરમાં રહેતી હતી. આથી સુરેશકુમાર અને અન્ય એક ભાઈ તેમને આર્થિક રીતે મદદ કરતા હતા. રિંપલે બારમા પછી ભણવાનું છોડીને ઘરમાં હતી. છેલ્લે 26 નવેમ્બરે વીણાને મળ્યો હોવાનું સુરેશકુમારે જણાવ્યું હતું. આથી પોલીસે મંગળવારે વીણા ગુમ હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આ પછી એક પોલીસ ટીમ સંબંધીઓને લઈને વીણાના ઘરે પહોંચી હતી. રિંપલને તેની માતા ક્યાં છે એમ પૂછતાં તે ઉડાઉ ઉત્તરો આપવા લાગી હતી. બીજી બાજુ ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી. આથી પોલીસે આખા ઘરની તલાશી લીધી હતી, જે સમયે અલગ અલગ પ્લાસ્ટિકની થેલીઓમાં શરીરના ટુકડા મળી આવ્યા હતા. લાશ કોહવાયેલી હતી અને કીડા પડી ગયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે પાડોશીઓની પૂછપરછ કરતાં 27 ડિસેમ્બર, 2022ના વીણા પહેલા માળથી નીચે પડી ગઈ હોવાનું જણાવ્યું હતું.
તે સમયે ઈમારતના બે યુવાનો વીણાને ઘરે લઈ ગયા હતા. ઝાઝી ઈજા થઈ નહોતી, પરંતુ ગુજરાતીમાં બડબડ કરતી હતી અને રડતી હતી. આ પછી વીણા દેખાઈ નહોતી. આથી તે ઘટના પછી જ હત્યા કરી હશે એવો પ્રાથમિક અંદાજ છે, એમ પોલીસે જણાવ્યું હતું.આ પછી ક્રાઈમ સીન તપાસ કરવા કેઈએમ હોસ્પિટલના તબીબી અધિકારી, કાલીના ફોરેન્સિક લેબના નિષ્ણાતો અને ફિંગરપ્રિંટ એક્સપર્ટને બોલાવવામાં આવ્યા હતા. ઘટનાસ્થળનું બારીકાઈથી પંચનામું કરાયું હતું. આ પછી શરીરના ટુકડાનું કેઈએમ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ ગૃહમાં લઈ જઈ ઈન્ક્વેસ્ટ પંચનામું કરાયું હતું. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પછી સુરેશકુમારની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને રિંપલની ધરપકડ કરવામાં આવી છે. રિંપલ માનસિક રીતે સ્વસ્થ લાગે છે. અંગ્રેજીમાં વાતો કરે છે. જોકે આ હત્યા ચોક્કસ શા માટે કરી અને આ રીતે ટુકડા કેમ કર્યા તે અંગે હજુ પૂછપરછ ચાલુ છે, એમ પોલીસે જણાવ્યું હતું.
લાલબાગમાં વધુ એકની હત્યા
દરમિયાન લાલબાગમાં જ એક નિર્માણાધીન ઈમારતના બારમા માળે 19 વર્ષીય મજૂર મૃતાવસ્થામાં મળી આવ્યો હતો. તેના હાથ-પગ બાંધેલા હતા. તેને મસૂદમિયાં રમઝાન તરીકે ઓળખી કાઢવામાં આવ્યો હતો. ઈમારત 45 માળની છે અને મૃતક તેમાં કામ કરતો હતો. તે મૂળ પશ્ચિમ બંગાળનો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.