રાજકારણ:પ્રોટોકોલ તોડીને શરદ પવાર - દેવેન્દ્ર ફડણવીસનો એક જ વાહનમાં પ્રવાસ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હમરીતુમરીના રાજકારણ વચ્ચે રાજકીય પરંપરાનાં દર્શન

દરરોજ આરોપ- પ્રત્યારોપની ઝડપીઓ વરસાવવી, એકબીજા પર કાદવઉછાળ કરવો, રાજકારણમાં નીચે આવેલો સ્તર અને હમરીતુમરી પર આવેલું રાજકારણ એમ સર્વત્ર નકારાત્મક વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે રાજ્યના ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વરિષ્ઠ નેતા તથા રાષ્ટ્રવાદીના અધ્યક્ષ શરદ પવારે રવિવારે પુણેમાં એક જ વાહનમાં પ્રવાસ કર્યો. દિવંગત નેતા પતંગરાવ કદમની જયંતી નિમિત્તે આયોજિત ભારતી વિદ્યાપીઠના કાર્યક્રમમાં જતી વખતે પવાર- ફડણવીસે એકત્રિત પ્રવાસ કરીને મહારાષ્ટ્રની રાજકીય પરંપરાનાં દર્શન કરાવ્યાં હતાં.

દેવેન્દ્ર ચાલો મારી કારમાં એમ પવારે ફડણવીસને કહ્યું. ફડણવીસે પ્રોટોકોલ તોડીને પવારની કારમાં થોડા સમય માટે પ્રવાસ કર્યો. શિક્ષણ થકી સમાજ પરિવર્તન અને સહકારમાંથી ગ્રામ વિકાસનો ધ્યેય રાખીને જીવનભર કાર્યરત રહેલા કોંગ્રેસના દિવંગત નેતા પતંગરાવ કદમની 79મી જયંતી નિમિત્તે પુણેની ભારતી વિદ્યાપીઠની સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ અને સ્ટુડન્ટ્સ હાઉસિંગ કોમ્પ્લેક્સનો ઉદઘાટન કાર્યક્રમ રવિવારે સંપન્ન થયો. આ કાર્યક્રમાં ફડણવીસ, પવાર, સીરમ ઈન્સ્ટિટ્યૂટના પ્રમુખ અદર પૂનાવાલા હાજર હતા.

કોંગ્રેસ વતી એકેય નેતાને આ કાર્યક્રમમાં આમંત્રણ અપાયું નહીં હોવાથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવતું હતું. બીજી બાજુ ફડણવીસે વિશ્વજિત કદમનો ઉલ્લેખ મારા નાના ભાઈ તરીકે કરતાં કાર્યક્રમ સ્થળે આ વિશે ચર્ચા રંગાઈ હતી.ડો. પતંગરાવ કદમ સ્મૃતિ પુરસ્કાર આ વખતે પૂનાવાલાને આપવામાં આવ્યો. ફડણવીસ અને પવારને હસ્તે પૂનાવાલાને પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો. કોરોનાકાળમાં ઉલ્લેખનીય કામગીરી માટે પૂનાવાલાએ ફડણવીસની આ સમયે સરાહના કરી હતી. આ પૂર્વે પવાર- ફડણવીસે એકત્રિત પ્રવાસ કરતાં અનેકનાં ભવાં ઊંચકાયાં હતાં.

કાર પ્રવાસ આ રીતે થયો
કાર્યક્રમ પૂર્વે ભારતી વિદ્યાપીઠ પરિસરમાં પવાર અને ફડણવીસે પવારની કારમાંથી એકત્ર પ્રવાસ કરીને સંસ્થાનું નિરીક્ષણ કર્યું. મેડિકલ કોલેજના ગેસ્ટ હાઉસથી લેડીઝ હોસ્ટેલ સુધી પવાર અને ફડણવીસે એકત્રિત પ્રવાસ કર્યો હતો. આ સમયે કારમાં પાછળની સીટ પર પવાર અને ફડણવીસ બેઠેલા હતા, જ્યારે આગળની સીટ પર શિવાજીરાવ કદમ હતા. મેડિકલ કોલેજના ગેસ્ટ હાઉસમાંથી જતી વખતે ચાલો મારી સાથે એમ પવારે ફડણવીસને કહ્યું હતું. આ પછી ફડણવીસ પવારની કારમાં બેસી ગયા. રાજકીય શોરબકોર વચ્ચે પવાર અને ફડણવીસે એક જ કારમાં આ રીતે પ્રવાસ કરતાં અનેકનાં ભવાં ઊંચકાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...