ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલ દ્વારા રવિવારે પાકિસ્તાન અને ઈન્ગ્લેન્ડની ટી20 ફાઈનલ મેચ દરમિયાન દાદરથી ક્રિકેટ પર ઓનલાઈન સટ્ટો લેતા સટોડિયાઓને રંગેહાથ ઝડપી લીધા પછી તેનો રેલો દુબઈ સુધી નીકળ્યો છે.
આરોપીઓએ હવાલા થકી મોટી રકમ દુબઈમાં મોકલી હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસ ક્રિકેટ બેટિંગ એપ પૂરા પાડનારા એક ડઝનથી વધુ સટોડિયાઓની આ પ્રકરણમાં શોધ ચલાવી રહી છે. આવી અનેક ચોંકાવનારી માહિતી આ કેસમાં બહાર આવી છે, જેની હવે પોલીસ સઘન તપાસ કરી રહી છે.
વિશ્વસનીય માહિતીને આધારે 13 નવેમ્બરે બપોરે દાદર પૂર્વ એશિયાડ બસ સ્ટેન્ડ સામે હોટેલ હેપ્પી લેન્ડના એક રૂમમાંથી પોલીસે દહિસર પશ્ચિમના રહેવાસી ફ્રાન્સિસ ઉર્ફે વિકી એન્થની ડાયસ (32), નાયગાવ પૂર્વના ઈમરાન અશરફ ખાન (40)ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રોકડ રકમ, સટ્ટા માટે ઉપયોગ કરાતા દસ્તાવેજો સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.
આરોપીઓની પૂછપરછને આધારે બુધવારે આ કેસમાં થાણે પશ્ચિમના ધર્મેશ ઉર્ફે ધીરેન રોશન શિવદાસાની (28), તેના ભાઈ ગૌરવ રોશન શિવદાસાની (24) અને થાણે પશ્ચિમના જાંભલી નાકા ખાતે રહેતા ધર્મેશ રસિકલાલ વોરા (36)ની ધરપકડ કરી છે.
આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. ક્રિકેટ બેટિંગ એપ પૂરા પાડનારા કમસેકમ 16 જણની માહિતી મળી છે, જેમની તપાસ ચાલુ છે. આરોપીઓનાં ઘરની તલાશી લેવાનું પણ બાકી છે. આરોપીઓએ વિવિધ ક્રિકેટ બેટિંદગ એપના યુઝર નેમ અને પાસવર્ડ ઘણા બધા લોકોને પૂરા પાડ્યા હોવાનું બહાર આવ્યું છે, જેમની પણ શોધ ચાલુ છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આરોપીઓએ ક્રિકેટ બેટિંગ એપની માસ્ટર આઈડી જેની પાસેથી વેચાતી લીધી તેની માહિતી પણ મળી છે, જેની શોધ ચલાવવામાં આવી રહી છે. આરોપીઓએ હવાલા થકી મોટી રકમ દુબઈમાં મોકલી છે. દુબઈમાં ગેન્ગસ્ટરોને તેઓ આ રકમ મોકલતા હતા કે કેમ, તેઓ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરતા હતા કે કેમ તેની તપાસ ચાલુ છે.
ખોટી ઓળખ ધારણ કરીને સિમકાર્ડ
દરમિયાન આરોપી ફ્રાન્સિસ અને ઈમરાને ચાર મોબાઈલ સિમ કાર્ડસ પ્રાપ્ત કર્યાં હતાં, જેની વિગતો કઢાવતાં તેમાંથી બે સિમકાર્ડ મુલુંડ પશ્ચિમના કમલેશ દિનેશ ઠક્કરને નામે અને એક સિમકાર્ડ દહિસર પૂર્વના ગૌરવ દિલીપકુમાર મિશ્રાને નામે છે. આ સિમકાર્ડ આરોપીઓએ બોગસ દસ્તાવેજો અને ખોટી ઓળખ ધારણ કરીને પ્રાપ્ત કર્યા હોવાનું સ્પષ્ટ થયું છે, એમ પોલીસે જણાવ્યું હતું. આ કેસના તપાસ અધિકારી પીઆઈ સચિન પુરાણિક છે. તપાસમાં સિનિયર પીઆઈ ગણોરે, તેમનો સ્ટાફ થોરાત, રણપિસે, જાલિંદ્ર લેંભે તથા અન્યોએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.