મુંબઈમાં વેપારી સંગઠને ફરી એક વાર દુકાનો અને સંસ્થાઓ પર મોટા અક્ષરોમાં મરાઠીમાં નામફલક લગાવવા માટે ચોમાસા પછીની મુદત આપવની માગણી કરી છે. મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં દુકાનો અને સંસ્થાઓને મરાઠી નામફલક પૂર્ણ કરવા માટે 30 જૂન સુધીનો સમયગાળો આપવામાં આવ્યો હતો. જોકે સંગઠને માગણી કરી છે કે ચોમાસા પછી ત્રણ મહિના સુધી લંબાવવામાં આવે.ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશને ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈને પત્ર લખ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં પાંચ લાખ દુકાનો અને સંસ્થાઓ છે. તેથી આ દુકાનો પર મોટા અક્ષરોમાં મરાઠીમાં નામફલક ફરીથી ડિઝાઇન કરવા માટે દુકાન માલિકો પાસે ભંડોળ અને નાણાં હોવા જરૂરી છે. તદુપરાંત ચોમાસુ નજીક આવતાં રિ-ડિઝાઈનનું કામ પૂર્ણ કરવું મુશ્કેલ છે. તેથી મરાઠીમાં નામફલક મોટા અક્ષરોમાં બનાવવા માટે ચોમાસા પછી ત્રણ મહિનાનો સમયગાળો આપવા વિનંતી કરી છે.
અગાઉ પણ, મોટા અક્ષરોમાં મરાઠીમાં નામફલક લગાવવા માટે વેપારી સંગઠનોની વિનંતી પર બે વાર મુદત લંબાવવામાં આવી હતી. જેથી ફરી એક વાર જોવાનું એ રહે છે, કે શું આ મુદત દુકાન માલિકોને આપવામાં આવશે કે પછી કાર્યવાહી કરવામાં આવશે.
30 જૂન સુધીની મુદત
મહાપાલિકાએ મુંબઈમાં દુકાનો અને સંસ્થાઓ પર મરાઠી ભાષામાં મોટા અક્ષરે બોર્ડ લગાવવા અંગે 30 જૂન સુધી એક્સ્ટેન્શન આપ્યું છે, અગાઉ આ સમયમર્યાદા 31 મે હતી.
આદેશ શું છે?
સંબંધિત દુકાનદાર અથવા સંસ્થાના વડા તેમનું નામફલક મરાઠી દેવનાગરી લિપિમાં તેમ જ અન્ય ભાષાઓમાં લખી શકે છે. જોકે મરાઠી ભાષામાં નામફલક પરના અક્ષરો અન્ય ભાષાઓના અક્ષરોના કદ કરતાં નાનું હોવું જોઈએ નહીં, તે સરકારી ગેઝેટમાં ઉલ્લેખિત છે. ઉપરાંત જે સંસ્થાઓમાં દારૂનું વેચાણ અથવા પીણાંની સેવાઓ કોઈ પણ રીતે પૂરી પાડવામાં આવી રહી છે, તેમનાં નામ મહાન પુરુષો/મહિલાઓ અથવા કિલ્લાઓના નામ પર રાખવા જોઈએ નહીં. આ નિયમનું ઉલ્લંઘન મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ (રોજગાર અને સેવાની શરતોનું નિયમન) અધિનિયમ, 2017 ની જોગવાઈઓ અનુસાર દુકાન અને સ્થાપના માલિકો સામે કાનૂની કાર્યવાહીમાં પરિણમશે. આ અંગેનો ચુકાદો 17 માર્ચ, 2022ના રોજ જારી કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.