બેઠક:ભાજપનો હોટેલમાં વિધાનસભ્યો તોડવા પ્લાન, શિવસેનાએ બુકિંગ રદ્ કરાવ્યું

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય માહોલ ગરમ, મુખ્યમંત્રીએ પક્ષના વિધાનસભ્યોની બેઠક બોલાવી

રાજ્યસભાની ચૂંટણી માટે રસાકસી ઓર વધી છે. મતો માટે મહાવિકાસ આઘાડી અને ભાજપ મોરચાબાંધણી કરી રહ્યા છે. વિધાનસભ્યો ફૂટે નહીં તે માટે ભાજપે પક્ષના વિધાનસભ્યો માટે મુંબઈની ફાઈવસ્ટાર હોટેલ ટ્રાઈડેન્ટ બુક કરી છે. આ જ હોટેલમાં શિવસેનાના વિધાનસભ્યોને પણ રાખવામાં આવવાના હતા, પરંતુ હવે ભાજપ ફોડાફોડીનું રાજકારણ કરશે એવો ભય હોવાથી શિવસેનાના વિધાનસભ્યોને અન્ય હોટેલમાં રાખવાની યોજના બનાવવામાં આવી છે. આ સાથે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે પક્ષના વિધાનસભ્યોની બેઠક બોલાવી છે.

રાજ્યસભાની છ બેઠક માટે સાત ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી 10 જૂને યોજાવાની છે. શિવસેનાના વિધાનસભ્ય, સમર્થક નાના પક્ષ અને અપક્ષ વિધાનસભ્યોની ફોડાફોડી ટાળવા માટે શિવસેનાએ આગામી 6 જૂનના રોજ સાંજે શિવસેનાના બધા વિધાનસભ્યો અને સમર્થક નાના પક્ષો અને અપક્ષ વિધાનસભ્યોની વર્ષા બંગલો પર ઠાકરેએ બેઠક બોલાવી છે.ખાસ કરી રાજ્યસભાની ચૂંટણી માટે 8-10 જૂન દરમિયાન શિવસેનાના બધા વિધાનસભ્યો, સમર્થક નાના પક્ષો અને અપક્ષ વિધાનસભ્યોને ટ્રાઈડેન્ટ હોટેલમાં રોકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જોકે ભાજપે પણ આ હોટેલ બુક કરતાં શિવસેનાએ અન્ય વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું છે.દરમિયાન ભાજપના છઠ્ઠી બેઠકના ઉમેદવાર ધનંજય મહાડિકે રવિવારે વિરારમાં બહુજન વિકાસ આઘાડીના નેતા વિધાનસભ્ય હિતેન્દ્ર ઠાકુરની મુલાકાત લીધી હતી. ઠાકુરના ત્રણ વિધાનસભ્ય છે, જે પણ આ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થવાના છે. બંને વચ્ચે બે કલાક ચર્ચા થઈ હતી. આ પછી મહાડિકે ત્યાંથી નીકળતી વખતે ઠાકુરને હમ સબ સાથ હૈ એવું કહ્યું હતું.

ભાજપને કોણ ટેકો આપી શકે? : ભાજપ પાસે 106 વિધાનસભ્ય છે. તેને ટેકો આપનાર નાના પક્ષ અને અપક્ષ વિધાનસભ્ય 7 છે, જેમા રાસપના રાહુલ કુલ, જનસુરાજ્યના વિનય કોરે, રવિ રાણા, પ્રકાશ આવાડે, રાજેન્દ્ર રાઉત, રત્નાકર ગુટ્ટે, મહેશ બાલદી, ઉરણનો સમાવેશ થાય છે. આમ ભાજપ પાસે 113 વિધાનસભ્ય છે. ભાજપનો વિધાનસભ્ય લક્ષ્મણ ગંભીર બીમારી હોવાથી મત નહીં આપી શકે તે આ સંખ્યા 113 થશે. ભાજપના બે ઉમેદવારને 84 મત આપ્યા પછી 28 મત બાકી રહે છે. છઠ્ઠા ઉમેદવાર ધનંજય મહાડિકની જીત માટે પ્રથમ પસંદગીના વધુ 14 મતની જરૂર છે. મહાડિકને જિતાડવા હોર્સ ટ્રેડિંગ થશે તે હવે લગભગ નિશ્ચિત છે.

તટસ્થ નાના પક્ષ અને વિધાનસભ્ય : બહુવિકાસ વિકાસ આઘાડી 3, શેકાપ 1, એમઆઈએમ 2, માકપ 1, મનસે 1 તટસ્થ રહી શકે છે, જેનો લાભ ભાજપને મળી શકે છે. બીજી બાજુ સપાના અબુ અસીમ આઝમી શિવસેનાનાથી નારાજ છે. તેમણે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને જણાવ્યું છે કે અમારા એક વિધાનસભ્ય ભિવંડીના વિકાસ બાબતે અનેક વાર પત્ર લખવા છતાં દાદ આપવામાં આવતી નથી. બીજી બાજુ શિવસેના પણ ભાજપના હિંદુત્વના બોલ બોલી રહી હોવાથી પણ સપા નારાજ છે. આથી તે પણ તટસ્થ ભૂમિકા ભજવી શકે છે.

ફડણવીસને કોરોના
દરમિયાન દેવેન્દ્ર ફડણવીસને ફરી કોરોના લાગુ થયો છે. તેમણે ટ્વીટ પર જાતે જ આ વાત કહી છે. આમ છતાં તેઓ હાલમાં રાજ્યસભાની ચૂંટણીનો ગરમાગરમ માહોલ હોવાથી છઠ્ઠા ઉમેદવારની જીત માટે કોઈ કસર બાકી નહીં રાખશે એવા સંકેત આપ્યા છે.

મહાવિકાસ આઘાડીની મોરચાબાંધણી
મહાવિકાસ આઘાડીમાં શિવસેના 55, રાષ્ટ્રવાદી 53, કોંગ્રેસ 44, સપા 2, પ્રહાર 2, સ્વાભિમાની શેતકરી 1 વિધાનસભ્ય છે. 9 અપક્ષ વિધાનસભ્યનું સમર્થન છે, જેમાં અહમદનગરના શંકરરાવ ગડાખ, કોલ્હાપુરના રાજેન્દ્ર પાટીલ- યેડ્રાવકર, ધુળેની મંજુષા ગાવિત, મીરા ભાયંદરની ગીતા જૈન, રામટેકનો આશિષ જયસ્વાલ, ચંદ્રપુરનો કિશોર જોરગેવાર, જલગામનો ચંદ્રકાંત પાટીલ, ગોંદિયાનો વિનોદ અગરવાલ, કરમાળાનો સંજય શિંદેનો સમાવેશ થાય છે. કુલ 166 વિધાનસભ્ય છે. તેમાં જો નવાબ મલિક અને અનિલ દેશમુખને મત આપવાની પરવાનગી નહીં મળે તો આ સંખ્યા 164 થઈ શકે છે. 164નો આંકડો ધારીએ તો 3 ઉમેદવારને પ્રત્યેકી 42 મત આપ્યા પછી આઘાડી પાસે 38 મત બચે છે. એટલે કે, જીત માટે 3 મતની જરૂર પડશે. આથી તટસ્થ રહેવાની શક્યતા ધરાવતા 8 વિધાનસભ્યના મત નિર્ણાયક સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...