રાષ્ટ્રવાદી કોંગ્રેસના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ પર ભાજપની મહિલા પદાધિકારીએ વિનયભંગનો આરોપ કરતાં અને મુંબ્રા પોલીસે ગુનો દાખલ કરતાં પક્ષના કાર્યકરો આક્રમક બની ગયા છે. રવિવારે સાંજે મુંબ્રા ખાતે ફ્લાયઓવરના લોકાર્પણ સમારંભમાં આ ઘટના બની હતી, જેનો વિડિયો પણ વાઈરલ થયો છે.વિડિયોમાં આવ્હાડ અને ભાજપની મહિલા પદાધિકારી રીદા રશીદ ગિરદીમાં સામસામે આવ્યાં. તે સમયે આવ્હાડે તેમને બાજુમાં કર્યા એવું દેખાય છે. આ પરથી રીદાએ મુંબ્રા પોલીસમાં ફરિયાદ કરી છે. ખાસ કરીને મુખ્ય મંત્રી એકનાથ શિંદેની સામે જ આ ઘટના બની છે.
રીદાનું કહેવું છે કે રવિવારે સાંજે 4 વાગ્યે મુંબ્રા ખાતે શિંદે અને ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને હસ્તે ફ્લાયઓવરનું લોકાર્પણ હતું. તેમાં હું પણ ગઈ હતી. આ કાર્યક્રમ પછી સાંજે 6.30 વાગ્યે શિંદે તેમની કારની ડાબી બાજુ હું ઊભી હતી. તે જ બાજુથી આવ્હાડ સામેથી આવ્યા. હું ઊભેલી હોવા છતાં ગિરદીનો ફાયદો ઉઠાવતાં મારો વિનયભંગ કરવાના ઈરાદાથી બંને હાથથી મને ખભાથી પકડી. વચ્ચે શું ઊભી છે, બાજુમાં થઈ જા, એવું લોકોને સમજાય નહીં તે રીતે બોલીને મને બાજુમાં ધકેલી હતી. ફરિયાદમાં રીદાએ જણાવ્યું છે કે આવ્હાડે મને અલગ ઉદ્દેશથી સ્પર્શ કર્યો હોવાથી મારા મનમાં શરમ ઉત્પન્ન થઈ હતી. તે સમયે હું ડીસીપીને મળી, જેમણે મને મુંબ્રા પોલીસમાં ફરિયાદ કરવા જણાવ્યું.
આવ્હાડનું શું કહેવું છે
આવ્હાડે સર્વ આરોપ ફગાવી દીધા છે. ગિરદી હોવાથી હું દરેકને બાજુમાં કરતો હતો. મહિલાને સ્પર્શ કરતી વખતે મારો કોઈ પણ બીજો ઉદ્દેશ નહોતો. રાષ્ટ્રવાદી કોંગ્રેસનાં નેતા વિદ્યા ચવ્હાણે જણાવ્યું કે ગિરદીની જગ્યાએ આવી ઘટનાઓ બનતી હોય છે. આવ્હાડ લોકપ્રતિનિધિ છે. તેઓ આવું વર્તન કરી જ નહીં શકે. તેમની સામે ગુનો દાખલ કરવો તે અયોગ્ય છે.
ફરિયાદી પર ગંભીર આરોપ
દરમિયાન રીદા સામે રાષ્ટ્રવાદી કોંગ્રેસે ગંભીર આરોપ કર્યા છે. તેની વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો અગાઉ દાખલ છે અને તે હાલમાં જામીન પર છે. રીદા રાજકીય મહત્ત્વાકાંક્ષા ધરાવતી મહિલા છે. આથી અલગ હેતુથી તેમણે આવ્હાડ વિરુદ્ધ ફરિયાદ કરી છે, એમ આવ્હાડનાં પત્ની ઋતાએ જણાવ્યું હતું.
તો આવ્હાડને ત્રણ વર્ષ સજા
આવ્હાડ વિરુદ્ધ વિનયભંગનો ગુનો દાખલ થવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. થિયેટરમાં દર્શકની મારપીટ પ્રકરણે આવ્હાડને જામીન મળ્યા પછી આ બીજા પ્રકરણમાં આવ્હાડ ફસાયા છે. જો તેમની વિરુદ્ધ વિનયભંગનો ગુનો સિદ્ધ થાય તો ત્રણ વર્ષની જેલ અને દંડ થઈ શકે છે, એમ જાણકારો કહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.