BJP-શિવસેનાની કસોટી:મહારાષ્ટ્રમાં રાજ્યસભાની છઠ્ઠી બેઠક માટે ચૂંટણી, વિધાન પરિષદની​​​​​​​ પાંચમી બેઠક આઘાડી પાસેથી સ્વીકારવા ભાજપે ઈનકાર કરી દીધો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યસભાની છઠ્ઠી બેઠક માટે ચૂંટણી યોજાશે જ એ સ્પષ્ટ થઈ ગયું. શુક્રવારે અરજી પાછી ખેંચવાની અંતિમ મુદતમાં મહાવિકાસ આઘાડી કે ભાજપમાંથી કોઈએ પીછેહઠ કરી નહોતી. આથી છ બેઠક માટે હવે સાત ઉમેદવાર મેદાનમાં છે. 10 જૂને ચૂંટણી થવાની છે. છઠ્ઠી બેઠક માટે શિવસેનાના સંજય પવાર અને ભાજપના ધનંજય મહાડિક વચ્ચે કસોટી થવાની છે.

શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે અમે હોર્સટ્રેડિંગ નહીં થાય તેવો પ્રયાસ કરતા હતા. અમારા તરફથી ચિત્ર સ્પષ્ટ છે. જોકે ભાજપ પીછેહઠ કરવા તૈયાર નથી. આઘાડી 4 ઉમેદવાર ચૂંટી લાવશે. અમારી જ જીત થશે. અપક્ષ વિધાનસભ્યો મુખ્ય મંત્રીના સંપર્કમાં છે. તેઓ આઘાડી સાથે જ રહેશે. હવે પરિણામ આઘાડીની બાજુથી આવશે.

ચૂંટણી બિનવિરોધ થાય તે માટે આઘાડી અને ભાજપ વચ્ચે અગાઉ મેરેથોન ચર્ચા થઈ. બંનેએ એકબીજાને ઓફર આપી. ભાજપને તેનો ત્રીજો ઉમેદવાર પાછો ખેંચી લેવા સામે વિધાન પરિષદની પાંચમી બેઠક ભાજપ માટે છોડીશું એવો પ્રસ્તાવ રાજ્યના વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ પાસે આપ્યો હતો.

જોકે ભાજપે આ ઓફર નકારી કાઢી હતી.રાષ્ટ્રવાદીના નેતા છગન ભુજબળે જણાવ્યું હતું કે અમારી પાસે બાકી મતની સંખ્યા વધુ છે. આથી ભાજપને કહ્યું કે તમે અમને રાજ્યસભાની તક આપો, અમારો એક ઉમેદવાર રાજ્યસભામાં બિનવિરોધ ચૂંટાવા દો, અમે તમને વિધાન પરિષદની પાંચમી બેઠક આપીશું. ફડણવીસ સાથે રમતિયાળ વાતાવરણમાં ચર્ચા થઈ. જોકે ફડણવીસ માન્યા નથી. આથી ચૂંટણી નિશ્ચિત છે.ભાજપ પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે જણાવ્યું કે અમને રાજ્યસભાની ત્રણ બેઠક મળે એવો પ્રસ્તાવ આઘાડીને આપ્યો હતો. અમને 11-12 મત ઓછા પડે છે.

ભાજપ શું રમત કરી શકે?
શિવસેનાએ સંભાજીરાજે છત્રપતિને ઉમેદવારી નકારીને છેલ્લી ઘડીએ સંજય પવારને ઉમેદવારી આપી. આથી જો પવારની ઉમેદવારી પાછી ખેંચો તે સંભાજીરાજે સાથે સાવકું વલણ અપનાવ્યું એમ કહીને મરાઠા સમાજ નારાજ થઈ શકે છે. બીજી બાજુ ભાજપે અપક્ષોને પોતાની તરફ કર્યા હોવાનું જાણવા મળે છે. અપક્ષે મતપત્રક બતાવતાં તેમના મત બાદબાકી થઈ શકે છે એવો દાવો પાટીલે કર્યો. આથી ભાજપ આ અપેક્ષ વિધાનસભ્યોના મત બાદબાકી થાય એવી રમત કરવાની શક્યતા છે.

ઈમરાન પ્રતાપગઢી મુશ્કેલીમાં
1998માં કોંગ્રેસ વિધાનસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. આથી રામ પ્રધાનની હાર થઈ હતી. કોંગ્રેસ પાસે કાંઠોકાઠ બહુમત છે. કોંગ્રેસના અમુક વિધાનસભ્યો ક્રોસ વોટિંગ કરી શકે છે. આવું થાય તો કોંગ્રેસનો ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢી પ્રથમ રાઉન્ડમાં જીતી નહીં શકે. આને કારણે ભાજપના ત્રીજા ઉમેદવારને બીજા ક્રમના મતનો લાભ થશે એવું ગણિત કહેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...