ભાસ્કર વિશેષ:વાશીમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલનું ભૂમિપૂજન - સંમેલન

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સહિત 50 સંતોની ઉપસ્થિતિ

નવી મુંબઈ વાશી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન દ્વારા સિડકો એક્ઝિબિશન હોલ નં. 1 ખાતે ભૂમિપૂજન તથા રાજકોટ ગુરુકુલના અમૃત મહોત્સવ ઉપલક્ષ્યે મુંબઈમાં વસ્તા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સત્સંગીઓનું સંમેલન યોજાયું. રવિવારે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનને સિડકો દ્વારા કામોઠે નવી મુંબઈ ખાતે વિદ્યા સાથે સદવિદ્યા પ્રવર્તન હેતુ 7666 ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી છે. આ ભાગ્યવંત ભૂમિ પર નિર્માણ થનાર વિદ્યામંદિરનું ભૂમિપૂજન વૈદિક વિધિ સાથે રાજ્યપાલ તથા ગુરુવર્ય મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી કરવામાં આવ્યું હતું. સિડકો એક્ઝિબિશન હોલમાં ત્રણ હજાર ઉપરાંત ભાવિકો અને 50 ઉપરાંત સાધુ- સંતોએ અબીલ, ગુલાલ, ચંદન, ચોખા, નાડાછડી, નાગરવેલનાં પાન તેમ જ પુષ્ય વગેરે ઉપચારોથી ઇષ્ટિકા- ઇંટોનું પૂજન કર્યું હતું.

આ ભૂમિપૂજન સમારોહ સાથે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે તેના અમૃત મહોત્સવના એક ભાગરૂપે અમૃત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની આઝાદીની સાથે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલનો રાજકોટના ઢેબર રોડ ઉપર 40,000 વાર ભૂમિ પર ગુરુકુલનો પ્રારંભ થયો હતો. ૭૫ વર્ષથી રોજના માત્ર 1 રૂપિયાના ટોકન દરે નાતજાત તેમ જ ધર્મના ભેદભાવ વિના વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મવિદ્યાની શિક્ષા બાળકો લઇ રહ્યા છે. આ પ્રસંગે શાસ્ત્રી શ્રી વિરક્તજીવનદાસજી સ્વામીએ કહ્યું હતું કે 1948થી આજે પણ 800 વિદ્યાર્થીઓ ગુરુકુલ રાજકોટમાં અભ્યાસ કરે છે.

આજે તેની દેશવિદેશમાં 51 શાખા કાર્યરત છે જેમાં 30,248 બાળકોને વિદ્યા સાથે ભારતીય સંસ્કૃતિના સુસંસ્કારો સંતો દ્વારા અપાઈ રહ્યા છે. નવી મુંબઈ કામોઠે ખાતે સદગુરુવર્ય સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભ આશીર્વાદ તથા મહંત સ્વામીશ્રી દેવપ્રસાદદાસજી સ્વામી તથા સ્વામીશ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર વિદ્યામંદિર નિર્માણ પામશે, જેમાં નાતજાત કે ધર્મના ભેદભાવ વિના દરેક પ્રાંતના લોકોના સંતાનો અભ્યાસ કરશે.આજના સમારોહમાં રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનની સુરત બ્રાંચના સાત વિદ્યાર્થીઓને રાજ્યપાલને હસ્તે સન્માનિત કરવામાં આવશે.

પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા આયોજિત પ્રદૂષણ મુક્ત ભારતની ચિત્રસ્પર્ધામાં દેશના એક કરોડ ઉપરાંત બાળ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાં પ્રથમ નંબર તેમ જ યોગા સ્પર્ધામાં વિશ્વ સ્તરે યોજાયેલી સ્પર્ધામાં દ્વિતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને રાજ્યપાલે સન્માનિત કર્યા હતા.

આગેવાનોની ઉપસ્થિતિ
ગુજરાતના રાજ્યપાલ આચાર્યશ્રી દેવવ્રતજીએ કહ્યું હતું કે બાળકોને બાલ્યાવસ્થાથી સંસ્કાર આપવા જોઈએ. જો એમાં સંસ્કાર હશે તો જ તમારી સેવા કરશે. સંપત્તિ સાચવશે, રાષ્ટ્રને ઉપયોગી થશે. સંસ્કાર વિનાના માણસને શાસ્ત્રોએ પશુ સમાન ગણ્યા છે. આ ગુરુકુલના સંતો બાળકોને સંસ્કાર સાથે અહીં શિક્ષા પ્રદાન કરશે. આ પ્રસંગે મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી દીપક કેસરકર, પનવેલના વિધાનસભ્ય પ્રશાંત ઠાકુર, દશરથ ભગત, મંદા મ્હાત્રે, ગણેશ નાઈક તેમ જ ઉદ્યોગપતિ રાકેશભાઈ દુધાત, પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયા, પિયુષભાઈ પટેલ, જીગ્નેશભાઇ હીરાણી, મેઘજીભાઇ બંગારી, કીર્તિભાઈ રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...