અલીબાગમાં જમીન ખરીદી પ્રકરણ:ભાંડુપનાં શિક્ષિકા વર્ષા રાઉત બહેનપણીને લીધે મુશ્કેલીમાં

મુંબઈએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈડી દ્વારા કલાકો સુધી તેમની પૂછપરછ કરાઈ

શિવસેનાના નેતા સંજય રાઉતનાં પત્ની વર્ષાની એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) દ્વારા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પતરા ચાલ ગોટાળા તેમ જ અલીબાગમાં જમીન ખરીદી પ્રકરણના વ્યવહાર વર્ષાને નામે થયાં હોવાથી તેઓ મુશ્કેલીમાં આવ્યાં છે. રાજકીય ઝગમગાટથી દૂર વર્ષા મુંબઈમાં ભાંડુપ ખાતે શાળામાં શિક્ષિકા છે.તેમને ફિલ્મ નિર્માણમાં પણ રસ છે. કાયમ પ્રસારમાધ્યમોમાં ચર્ચાનો વિષય બની રહેલા સંજય રાઉતની તુલનામાં વર્ષા પ્રસિદ્ધિથી જોજનો દૂર રહ્યાં હતાં, પરંતુ હવે પતરા ચાલ ગોટાળાને લીધે ઈડીના રડાર પર આવ્યાં છે.

રાઉત દંપતીને પૂર્વાંશી અને વિદિતા એમ બે દીકરી છે. ભાંડુપની એક શાળા સાથે વર્ષા સંલગ્ન છે. 2020માં કોર્પોરેટ મંત્રાલયના રેકોર્ડ અનુસાર તેઓ ત્રણ કંપનીમાં ભાગીદાર હતાં, જેમાંથી રોઈટર્સ એન્ટરટેઈનમેન્ટ એલએલપી, સનાતન મોટર્સ પ્રા. લિ. અને સિદ્ધાંત સિસ્કોન પ્રા. લિ.નો સમાવેશ થાય છે. રાઈટર્સ એન્ટરટેઈનમેન્ટમાં સંજય રાઉત, પૂર્વાંશી અને વિદિતા પણ ભાગીદાર છે. આ જ કંપનીએ 2019માં શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેને નામે ઠાકરે ફિલ્મનું નિર્માણ કર્યું હતું.

માધુરી પ્રવીણ રાઉત અને વર્ષા સારી બહેનપણી છે. માધુરીના પતિ પ્રવીણની ગુરુ આશિષ કન્સ્ટ્રકશન્સને પતરા ચાલીનું રિડેવલપમેન્ટનું કામ મ્હાડાએ આપ્યું હતું. આ કંપની હાઉસિંગ ડેવલપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (એચડીઆઈએલ)ની ઉપ કંપની છે, જેમાં સારંગ અને રાકેશ વાધવાન પિતા- પુત્ર પ્રમોટર છે. વાધવાન પર પીએમસી બેન્ક સાથે રૂ. 6500 કરોડની છેતરપિંડીનો આરોપ છે. પીએમસી બેન્ક ગોટાળો બહાર આવ્યો ત્યાર પછી જ માધુરી અને વર્ષા વચ્ચેના વ્યવહાર બહાર આવ્યા હતા.

આ રીતે ચર્ચામાં આવ્યાં?
વર્ષાનું નામ પતરા ચાલ જમીન ગોટાળાથી સૌપ્રથમ બહાર આવ્યું. 2020માં મહારાષ્ટ્રમાં કોરોનાકાળમાં પીએમસી બેન્ક ગોટાળો સામે આવ્યો. આ પછી પતરા ગોટાળાના આરોપી પ્રવીણ રાઉતની પત્ની માધુરીના બેન્ક ખાતામાંથી વર્ષાના બેન્ક ખાતામાં રૂ. 55 લાખ ટ્રાન્સફર થયા હોવાની માહિતી મળી હતી, જે પછી ઈડીની ટીમ આ વ્યવહારની તપાસ કરી રહી છે. આ રકમમાંથી રાઉતે દાદરમાં ફ્લેટ ખરીદી કર્યો હોવાનો આરોપ છે. આ રીતે જ અન્ય વ્યવહારમાંથી આવેલી નાણાંમાંથી રાયગઢમાં કેટલાક પ્લોટ ખરીદી કર્યા હોવાનો આરોપ છે.

અન્ય સમાચારો પણ છે...