ભાસ્કર વિશેષ:બેસ્ટ ઉપક્રમને હેરિટેજ ટૂરના માધ્યમથી 1 કરોડથી વધુ કમાણી

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંજે 5 વાગ્યાથી શરૂ થઈને મધરાત સુધી ચાલતી ટૂરને પ્રવાસીઓનો જોરદાર પ્રતિસાદ સાંપડ્યો

છેલ્લા આઠ મહિનાથી દક્ષિણ મુંબઈના ઐતિહાસિક વારસાવાળા સ્થાપત્યના દર્શન કરાવતી હેરિટેજ ટૂરના માધ્યમથી બેસ્ટ ઉપક્રમની તિજોરીમાં એક કરોડ કરતા વધુ રૂપિયા ભેગા થયા છે. હેરિટેજ ટૂરમાં લગભગ 74 હજાર પર્યટકોએ પુરાતન સ્થાપત્યો જોયા. બેસ્ટ ઉપક્રમે પર્યટકો માટે 3 નવેમ્બર 2021થી દક્ષિણ મુંબઈમાં ઓપન ડબલડેકર બસથી પર્યટન સેવા શરૂ કરી. દર શનિવાર અને રવિવારે સાંજે 6.30 અને 8 કલાકે ગેટ વે ઓફ ઈંડિયાથી બે બસ છોડવામાં આવે છે.

આ પર્યટન સેવાને પર્યટકો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો એ પછી નરિમાન પોઈંટથી બપોરે 3 અને સાંજે 5 કલાકે બે અતિરિક્ત બસ ફેરી શરૂ કરવામાં આવી. 27 નવેમ્બર 2021થી ફક્ત શનિવાર અને રવિવારે સવારના 9.30 અને 11 કલાકે બે વધુ ફેરી ચલાવવાનું શરૂ થયું. જો કે વધેલી ગરમીના કારણે બસના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

17 માર્ચથી અઠવાડિયાના બધા દિવસ સાંજે 5 વાગ્યાથી મધરાત સુધી પર્યટન સેવા એટલે કે હેરિટેજ ટૂર શરૂ કરવામાં આવી. પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મંત્રાલય, વિધાનભવન, એનસીપીએ, મરિનડ્રાઈવ, ગિરગાવ ચોપાટી, ચર્ટગેટ સ્ટેશન, ઓવલ મેદાન, મુંબઈ હાઈ કોર્ટ, મુંબઈ યુનિવર્સિટી, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈ મહાપાલિકા મુખ્યાલય, હુતાત્મા ચોક, હોર્નિમન સર્કલ, રિઝર્વ બેંક ઓફ ઈંડિયા, એશિયાટીક લાયબ્રેરી, ઓલ્ડ કસ્ટમ હાઉસ જેવા ઠેકાણા પર્યટકો દેખાડવામાં આવે છે. આ પ્રવાસ ઓપન ડબલડેકર બસમાં કરાવવામાં આવે છે. અપર ડેકમાં વ્યક્તિદીઠ 150 રૂપિયા અને લોઅર ડેકમાં 75 રૂપિયા શુલ્ક લેવામાં આવે છે. બેસ્ટની આ પર્યટન સેવાને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.

છેલ્લા આઠ મહિનામાં 74 હજાર 744 પર્યટકોએ પુરાતન સ્થાપત્ય પર્યટનનો આનંદ માણ્યો છે. બેસ્ટ ઉપક્રમને એના લીધે 1 કરોડ 11 લાખ 83 હજાર 775 રૂપિયા આવક મળી છે. આ સેવામાં 17 માર્ચથી ફેરફાર કર્યા પછી પર્યટકોની સંખ્યામાં વધારો થયો છે. એપ્રિલ 2022માં 13 હજાર 827, મે મહિનામાં 21 હજાર 456 અને જૂનમાં 16 હજાર 692 પર્યટકોએ પુરાતન સ્થાપત્યોની સફર એટલે હેરિટેજ ટૂર કરી છે. માર્ચમાં આ સંખ્યા 7 હજાર 129 હતી.

અન્ય સમાચારો પણ છે...