મૃત્યુ પૂર્વે અભિનેત્રી તુનિષા શર્મા ડેટિંગ એપ પર અલી નામે પુરુષ સાથે સંપર્કમાં હતી અને મૃત્યુ પૂર્વે 21 અને 23 ડિસેમ્બર વચ્ચે તે આ પુરુષ સાથે હતી, એવો દાવો સોમવારે શેહઝાન ખાનના વકીલોએ વસઈની કોર્ટમાં કર્યો હતો.
શેહઝાન હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તેના વતી વકીલોએ જામીન માટે અરજી કરી છે, જેની સુનાવણી કોર્ટે 11 જાન્યુઆરી પર મોકૂફ રાખી છે. 21 વર્ષીય તુનિષા 24 ડિસેમ્બરે વસઈના કામણ રોડ પર અલીબાબાઃ દાસ્તાન-એ- કાબુલ ટીવી સિરિયલના સેટ પર વોશરૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
આ ઘટના પછી શેહઝાનની બીજા જ દિવસે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તુનિષા અને શેહઝાન (28) વચ્ચે પ્રેમસંબંધ હતો અને બંને અલીબાબા સિરિયલમાં મુખ્ય પાત્ર ભજવતા હતા. આત્મહત્યાના પંદર દિવસ પૂર્વે જ બંને વચ્ચે બ્રેક-અપ થયું હતું.સોમવારે વસઈ ખાતે જિલ્લા અને વધારાના સત્ર ન્યાયાલયના જજ આર ડી દેશપાંડેએ બંને પક્ષોની લાંબી દલીલોને સાંભળી હતી અને તુનિષાના વકીલ દ્વારા સુનાવણી માટે વધુ સમય માગતાં જજે તે સ્વીકારી હતી અને જામીન અરજી પર 11મી જાન્યુઆરીએ સુનાવણી લેવાનું નક્કી કર્યું હતું.
શેહઝાન વતી શૈલેન્દ્ર મિશ્રા અને શરદ રાયે કોર્ટને જણાવ્યું કે તેમનો અસીલ નિર્દોષ છે અને તુનિષાના મૃત્યુ સાથે કોઈ રીતે સંકળાયેલો નથી. 2013માં અભિનેત્રી- ગાયિકા જિયા ખાનની આત્મહત્યા પછી તેને આ અંતિમ પગલું લેવા માટે પ્રવૃત્ત કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવેલા અભિનેતા સૂરજ પંચોલીને પણ જામીન મળી ગયા હતા તેનો દાખલો શેહઝાનના વકીલોએ આપ્યો હતો.શેહઝાનના વકીલોએ કોર્ટને એવી પણ માહિતી આપી કે તુનિષા ડેટિંગ એપ પર અલી નામે પુરુષ સાથે સંબંધમાં હતી અને 21 અને 23 ડિસેમ્બર વચ્ચે બંને સાથે હતાં. કથિત આત્મહત્યા પૂર્વે પણ તુનિષા 15 મિનિટ સુધી અલી સાથે વિડિયો કોલ પર હતી, એવો દાવો પણ સોમવારે કોર્ટમાં કરાયો હતો.
આ બાબતમાં તપાસ કરવાની માગણી કરવા સાથે શેહઝાનના વકીલોએ ઘટનાસ્થળથી કોઈ સુસાઈડ નોટ પણ મળી નહોતી તે તરફ પણ કોર્ટનું ધ્યાન દોર્યું હતું. બંનેએ શેહઝાન વિરુદ્ધ લવ જિહાદનો આરોપ અને તુનિષાને હિજાબ પહેરવા અને ઉર્દુ શીખવા માટે બળજબરી કરાતી હતી એવા આરોપ પણ નકારી કાઢ્યા હતા.શર્મા પરિવાર વતી એડવોકેટ તરુણ શર્માએ દસ્તાવેજોનો અભ્યાસ કરવા અને પોતાના બચાવની તૈયારી કરવા માટે સમય માગતાં જજે મંજૂરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.