એટીએમ લેણદેણ નિષ્ફળ ગઈ છે એવું બતાવીને રિફંડ માટે દાવો કરીને બેન્ક સાથે છેતરપિંડી કરનારા ચાર જણની ટોળકીને નાગપુરની વાશિમ પોલીસે ઝડપી લીધી છે. વાશિમ અર્બન કો-ઓપરેટિવ બેન્કે ફરિયાદ નોંધાવી હતી કે અમુક લોકોએ એટીએમના કેન્સર ડિસ્પેન્સર સાથે ચેડાં કર્યાં હતાં, નાણાં લીધાં હતાં અને પછી લેણલેણ નિષ્ફળ ગઈ છે એવો દાવો કર્યો હતો, એમ વાશિમના એસપી બચ્ચન સિંહે જણાવ્યું હતું.
બેન્ક પ્રશાસને નોંધ્યું કે એકસમાન વ્યક્તિઓ છેતરપિંડી કરવા માટે એકસમાન મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી રહ્યા છે. આથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 420 (છેતરપિંડી) અને અન્ય સુસંગત કલમો અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી ધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો. સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી હતી. તપાસમાં એવું બહાર આવ્યું કે 10 અલગ અલગ બેન્કનાં 19 કાર્ડનો ઉપયોગ કરીને રૂ. 7.55 લાખની છેતરપિંડી કરવામાં આવી છે.
આ કાર્ડ ઉત્તર પ્રદેશના કાનપુરના એક રહેવાસીને નામે હતાં. આથી ઉત્તર પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ ટીમો મોકલીને તપાસ કરીને જેને નામે કાર્ડ નોંધાયેલાં છે તે હાલમાં અલગ અલગ ગુનામાં કાનપુર જેલમાં સબડી રહ્યો છે એવું જણાયું હતું.આ ટોળકી લેણદેણ પ્રક્રિયામાં છટકબારીઓ શોધીને બેન્કો સાથે છેતરપિંડી કરતી હતી. આવા અનેક ગુના આરોપીઓએ આચર્યા છે, જે અંગે વધુ તપાસ ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.