તપાસ:અવિનાશ ભોસલેની અન્ય બિલ્ડરને લોન અપાવીને રૂ. 360 કરોડની કટકી

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીબીઆઈ દ્વારા પહેલી જ વાર વચેટિયાઓની તપાસનો નવો અભિગમ

યેસ બેન્કજ- ડીએચએફએલ બેન્ક છેતરપિંડી કેસની તપાસ કરતી સીબીઆઈને પુણે સ્થિત રિક્ષાચાલકમાંથી મોટો બિલ્ડર બનેલા અવિનાશ ભોસલે વિશે અનેક ચોંકાવનારી માહિતી મળી છે. ડીએચએફએલ પાસેથી અન્ય બિલ્ડરને લોન અપાવવામાં ભોસલેએ વચેટિયાની ભૂમિકા ભજવી હતી, જેની સામે તેને રૂ. 360 કરોડની કટકી મળી હતી, જ્યારે લોન નોન- પરફોર્મિંગ એસેટ્સમાં ફેરવાઈ ગઈ હતી.આ કેસમાં તાજેતરમાં ધરપકડ કરવામીં આવેલા રેડિયસ ડેવલપર્સના માલિક સંજય છાબરિયા દ્વારા એબીઆઈએલના ચેરમેન અવિનાશ ભોસલેની કંપનીઓને કરવામં આવેલા રૂ. 68.8 કરોડ અને રૂ. 292 કરોડના બે પેમેન્ટની વિગતો મળી છે.

એબીઆઈએલ ગ્રુપ પાસેથી પીટીઆઈએ પ્રતિક્રિયા માગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો કોઈ ઉત્તર મળ્યો નહોતો.પેમેન્ટને કન્સલ્ટન્સી ફી અને લોન બતાવવામાં આવ્યા હતા, પરંતુ સીબીઆઈએ આરોપ કર્યો છે કે ડીએચએફએલ પાસેથી રૂ. 2420 કરોડની લોન અપાવવા માટે છાબરિયા દ્વારા ભોસલેને આ રકમ કટકી તરીકે અપાઈ હતી. સીબીઆઈ આ કેસમાં પહેલી જ વાર વચેટિયા, દ્વિતીય અને તૃતીય સ્તરના લાભાર્થીઓની તપાસ કરી રહી છે, જે આ કેસમાં નવો અભિગમ છે. સામાન્ય રીતે બેન્કના અધિકારીઓ અને પ્રાથમિક લાભાર્થી સામે સંબંધિત ગુના હેઠળ આરોપ મુકાતા હોય છે.

રાણા કપૂરની આગેવાનીમાં યેસ બેન્કે ડીએચએફએલને રૂ. 3983 કરોડની લોન વિતરણ કરી હતી, જે ગુનાની પ્રાપ્તિ હતી એમ સીબીઆઈએ તાજેતરમાં કોર્ટને જણાવ્યું હતું. આમાંથી રૂ. 2420 કરોડ ડીએચએફએલ દ્વારા છાબરિયાની આગેવાની હેઠળના રેડિયસ ગ્રુપની ત્રણ ગ્રુપની કંપનીઓને રૂ. 2420 કરોડની લોન મંજૂર અને વિતરણ કરી હતી. રેડિયસ ગ્રુપને આપેલી લોનની ઉચાપત કરાઈ હતી અને રૂ. 2130 કરોડની બાકી લાયેબિલિટી સાથે જીએચએફએલના ચોપડે આ લોન એનપીએ બની હતી.

ભોસલેના સંકુલોની તપાસમાં દસ્તાવેજોનાં બે ખોખાં મળ્યાં છે, જેની સીબીઆઈ ઊંડાણથી તપાસ કરી રહી છે. સીબીઆઈએ આ કેસમાં 2020માં એફઆઈઆર દાખલ કરી હતી, જે અનુસાર કપૂરે ડીએચએફએલના કપિલ વાધવાન સાથે સાઠગાંઠ કરીને યેસ બેન્ક થકી ડીએચએફએલનો નાણાકીય સહાય આપી હતી, જેની સામે કપૂર અને તેના પરિવારના સભ્યોને મોટો આર્થિક લાભ મળ્યો હતો.

કપૂરને રૂ. 600 કરોડની કટકી
એપ્રિલ અને જૂન 2018માં યેસ બેન્કે કૌભાંડગ્રસ્ત ડીએચએફએલના શોર્ટ ટર્મ ડિબેન્ચર્સમાં રૂ. 3700 કરોડનું રોકાણ કર્યું ત્યારથી આ કૌભાંડે આકાર લેવાનું શરૂ કર્યું હતું. યેસ બેન્ક પાસેથી પ્રાપ્ત ભંડોળ પછી ડીએચએફએલ દ્વારા અન્ય કંપનીઓમાં વાળવામાં આવ્યું હતું. ડીએચએફએલ પર શેલ કંપનીઓનો ઉપયોગ કરીને રૂ. 97,000 કરોડની કુલ બેન્ક લોનમાંથી રૂ. 31,000 કરોડની ઉચાપત કરી હોવાની અલગ તપાસ ચાલી રહી છે. કપૂર અને પરિવારના સભ્યોને આ તરફેણ કરવા માટે રૂ. 600 કરોડની કટકી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...