તપાસ:ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનાં ચીફ કમિશનરને નામે ઠગાઈનો પ્રયાસ

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમિશનરનાં સાથીઓને ગિફ્ટ કાર્ડસ ખરીદી કરવાના મેસેજ

મુંબઈનાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનાં પ્રિન્સિપાલ ચીફ કમિશનરને નામે તેમના સાથીઓને ઓનલાઈન શોપિંગ મંચ પરથી ગિફ્ટ કાર્ડસ ખરીદી કરવા ફોન પર વિનંતી કરીને ઠગાઈનો પ્રયાસ કરવા સંબંધે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એક મહિલા દ્વારા કમિશનરને નામે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ફરિયાદી મહિલા ઈન્ડિયન રેવેન્યુ સર્વિસ (આરઆરએસ) ઓફિસર છે. તેઓ હાલમાં મુંબઈમાં પોસ્ટિંગ પર છે. તેમની ફરિયાદને આધારે પોલીસે એફઆઈઆર દાખલ કરીને અજ્ઞાત આરોપીને શોધી કાઢવા પ્રયાસ શરૂ કરી દીધા છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે ચેન્નાઈમાં તેમના સાથીઓએ એવું જણાવ્યું કે અમુક ફોન નંબરો પરથી તેમને ફરિયાદીને નામે મેસેજ પ્રાપ્ત થયા છે. મેસેજ પ્રાપ્ત કરનાર મહિલા પોતે પ્રિન્સિપાલ ચીફ કમિશનર હોવાનું જણાવે છે અને ઓનલાઈન શોપિંગ કંપનીનાં ગિફ્ટ કાર્ડસ ખરીદી કરવા માટે વિનંતી કરી રહી છે. નોંધનીય છે કે ફરિયાદી મહિલા અગાઉ ચેન્નાઈમાં પોસ્ટિંગ પર હતાં અને આ વર્ષે એપ્રિલમાં તેમણે મુંબઈમાં આઈટી ઓફિસમાં પદભાર સંભાળ્યો હતો.

ખાસ વાત એ છે કે મેસેજ મોકલનારી આરોપી મહિલાએ ગિફ્ટ કાર્ડસ ખરીદી કરવા કહેતી વિનંતી સાચી લાગે તે માટે જે નંબરો પરથી વ્હોટ્સએપ મેસેજ મોકલતી તે વ્હોટ્સએપ અકાઉન્ટના ડીપીમાં ફરિયાદીનો ફોટો મૂક્યો હતો. જોકે ફરિયાદીની એક સાથીએ તેને આ વાતની જાણ કરતાં ભાંડો ફૂટ્યો હતો.

પોલીસે પ્રાથમિક તપાસને આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 420 (છેતરપિંડી) સહિતની કલમો અને આઈટી ધારાની જોગવાઈઓએ હેઠળ એફઆઈઆર દાખલ કરી છે. આ પ્રકરણની વધુ તપાસ ચાલી રહી છે, એમ સિનિયર પીઆઈ ભૂષણ બેલનેકરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...