રાજ્યમાં દસમા ધોરણની પરીક્ષામાં કોપીના અનેક કિસ્સા બહાર આવ્યા પછી હવે આખું પરીક્ષા કેન્દ્ર કબજામાં લેવાનો કોપીના પુરવઠાદારોએ પ્રયાસ કર્યો હતો. આ માફિયાઓએ ફ્લાઈંગ સ્ક્વોડ પર લાઠીઓ અને પથ્થરોથી હુમલો પણ કર્યો હતો. આના પડઘા ગુરુવારે વિધાનસભામાં પડ્યા હતા.વિધાનસભામાં વિરોધી પક્ષ નેતા અજિત પવારે આ અંગે ધ્યાન દોરતાં જણાવ્યું કે અહમદનગર જિલ્લાના ટાકળી- માનુર (પાથર્ડી તાલુકો) ખાતે દસમાના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓને કોપી પૂરી પાડનારા માફિયાઓએ લાઠીઓ અને પથ્થરોથી ફ્લાઈંગ સ્ક્વોડ પર હુમલો કર્યો હતો.
તેમણે પરીક્ષા કેન્દ્ર કબજામાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબત અત્યંત ગંભીર છે. છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં આવી કોપીની અને પેપર ફૂટવાની ઘટનાઓ વારંવાર બની રહી છે. આ બંધ નહીં થાય તો રાજ્યની સ્થિતિ બગડશે. આથી સરકારે આને ગંભીરલાથી લઈને કડક ભૂમિકા લેવી જોઈએ, એવી માગણી તેમણે કરી હતી. બુધવારે બપોરે 12 વાગ્યે ટાકળી- માનુરમાં દસમાનું જ્યોમેટ્રીનું પેપર ચાલતું હતું. તે સમયે પરીક્ષાર્થીઓને કોપી પૂરી પાડવારા માફિયાઓએ બળજબરીથી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કર્યો અને ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારી અને કર્મચારીઓને ધમકી આપીને કોપી પૂરી પાડવાની છૂટ આપવાની માગણી કરી હતી.
અધિકારીઓએઈનકાર કરતાં આ માફિયાઓએ તેમની પર હુમલો કર્યો હતો. પથ્થરમારો કર્યો હતો. પાથર્ડી ઉપરાંત જાલનામાં પરીક્ષા દરમિયાન જિલ્લા પરિષદની શાળા, સેવલીના પરીક્ષા કેન્દ્ર પર અમારા બાળકોને કોપી કરવા દો, નહિતર તમને જાનથી ખતમ કરવામાં આવશે એવી ધમકી કેન્દ્રના સંચાલક અને સુપરવાઈઝરને આપવામાં આવી હતી.
છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં દસમા-બારમાની પરીક્ષાના સમયે સામૂહિક કોપી, પેપર ફૂટવા જેવી ઘટનાઓ વારંવાર બની રહી છે. આવી ઘટનાઓ ચાલુ રહેશે તો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ પર અન્યાય થશે. રાજ્યના શૈક્ષણિક ક્ષેત્રમાં પીછેહઠ થઈને રાજ્યનું નખ્ખોદ નીકળશે. આથી આ મામલાને ગંભીરતાથી લઈને વિરોધમાં કડક ભૂમિકા લેવી જોઈએ, એવી માગણી પવારે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.