ધરપકડ:શાહની મુલાકાત સમયે શંકાસ્પદ શખસ કલાકો સુધી આસપાસ ભટકતો હતો

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ ગૃહ મંત્રાલયનો બેલ્ટ પહેર્યો હતો અને આંધ્રના સાંસદનો પીએ ગણાવતો હતો

મુંબઈમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ખામીનો મામલો સામે આવ્યો છે. શાહની મુંબઈ મુલાકાત દરમિયાન એક શંકાસ્પદ શખસ ઘણાં કલાક સુધી તેમની આસપાસ ફરતો હતો. અધિકારીઓને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી હતી. આ શખસનું નામ હેમંત પવાર છે, જે મહારાષ્ટ્રના ધુળેનો વતની છે. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો પરિચય આંધ્રપ્રદેશના એક સાંસદના પી.એ. તરીકે આપ્યો હતો.

અમિત શાહની સુરક્ષાનું મોટા પ્રમાણમાં ધ્યાન રાખવામાં આવ્યું હતું. મુંબઈ પોલીસ અને કેન્દ્રિય યંત્રણાએ પણ શાહની સુરક્ષિતતાની તકેદારી રાખી હતી. 32 વર્ષીય હેમંતે ગૃહ મંત્રાલયનું બેન્ડ પહેર્યું હતું, જેને કારણે તે કેટલાય કલાક સુધી ગૃહમંત્રીની આસપાસ ફરતો રહ્યો. આ શકમંદ વ્યક્તિ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના ઘરની બહાર બ્લેઝર પહેરીને ફરતો પણ જોવા મળ્યો હતો.

આ સમગ્ર મામલો 4-5 સપ્ટેમ્બરનો છે, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય પ્રવાસ માટે મુંબઈ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે લાલબાગચા રાજા ખાતે ભગવાન ગણેશજીની પૂજા કરી હતી. મહારાષ્ટ્રમાં શિંદેની સરકાર બન્યા બાદ અમિત શાહ પહેલીવાર મુંબઈ પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને પણ ગયા હતા.

ભૂલ નહીં પણ સતર્કતા
દરમિયાન શાહની મુંબઈ મુલાકાત દરમિયાન ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં શંકાસ્પદ વ્યક્તિ કેવી રીતે આસપાસ પહોંચી શકી એવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. મુંબઈ પોલીસના અધિકારીઓએ સુરક્ષામાં કમી કે ભૂલ ન હોવાનું જણાવ્યું છે. મુંબઈ પોલીસની આ સતર્કતા હતી તેથી જ આ વ્યક્તિને તરત તાબામાં લેવામાં આવ્યો. આરોપીની પૂછપરછ ચાલુ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ગૃહમંત્રીની આસપાસ ફરતો આ વ્યક્તિ લોકોની સાથે છેતરપિંડી કરતો હતો કે એની તપાસ ચાલુ છે. અમિત શાહ કે મોટા નેતાઓ સાથે ઓળખાણ હોવાનું જણાવીને એણે અત્યાર સુધી કેટલા લોકોની છેતરપિંડી કરી એની પણ તપાસ ચાલુ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...