બનાવટી ક્રેડિટ કાર્ડ પ્રકરણ:98 જેટલાં સેલિબ્રિટીના પેનની વિગતો ચોરી લીધી

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષથી આરોપીઓએ લાખ્ખો રૂયપયાના વ્યવહાર કર્યા છે

બનાવટી ક્રેડિટ કાર્ડ પ્રકરણનો રેલો બોલીવૂડ અને ક્રિકેટની દુનિયામાં વધુ ઊંડાણમાં પહોંચી રહ્યો છે. હવે નામાંકિત બોલીવૂડ કલાકારો અને ક્રિકેટરો સહિત 98 સેલિબ્રિટીઓની પેનની વિગતો સાઈબર ઠગોએ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.સાઈગર ઠગોએ બોલીવૂડના કલાકારો અને ક્રિકેટરોના જીએસટી નંબર પરથી પેનની વિગતો પ્રાપ્ત કરીને પુણે સ્થિત ફિનટેક સ્ટાર્ટઅપ વન કાર્ડ પાસેથી પોતાને નામે ક્રેડિટ કાર્ડ કઢાવીને લાખ્ખોની ઠગાઈ કરી છે. કંપનીને આ અંગે જાણ થતાં જ તુરંત દિલ્હી પોલીસને જાણ કરી હતી, જેને લઈ દિલ્હી પોલીસે પુનીત, મહંમદ આસીફ, સુનિલ કુમાર, પંકજ મિશ્રા અને વિશ્વ ભાસ્કરની ધરપકડ કરી છે.

આરોપીઓની ઊલટતપાસમાં તેમણે જેમને નામે ક્રેડિટ કાર્ડ કઢાવ્યાં છે તે યાદી વધતી જ જાય છે. - આરોપીઓએ ખાસ કરીને અભિષેક બચ્ચન, શિલ્પા શેટ્ટી, માધુરી દીક્ષિત, ઈમરાન હાશ્મી અને મહેન્દ્ર સિંહ ધોનીનાં નામ અને તેમની વિગતોનો ઉપયોગ કર્યો હતો અને મેળવાં ક્રેડિટ કાર્ડસ પર રૂ. 21.32 લાખની ખરીદી પણ કરી નાખી હતી એવું આરંભિક તપાસમાં જણાયું હતું.ઠગાઈનો આંકડો વધવાની શક્યતા : જોકે હવે આરોપીઓએ સચિન તેંડુલકર, દીપિકા પદુકોણ, આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર, સૈફ અલી ખાન, હૃતિક રોશન સહિત 98 સેલિબ્રિટીઓની પેનની વિગતોનો દુરુપયોગ કર્યો હોવાનું હવે બહાર આવ્યું છે. હાલમાં ઠગાઈનો આંકડો 90 લાખ રૂપિયા સુધી પહોંચ્યો છે. જોકે આ આંકડો વધવાની પૂરી સંભાવના છે.

ઉપરાંત વધુ સેલિબ્રિટીઓને નામે આરોપીઓએ ક્રેડિટ કાર્ડ કઢાવ્યા હોવાની માહિતી મળી છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું. સિબિલ સ્કોર અંગે ગણતરી : આ રીતે તેમણે સેલિબ્રિટીઓની આધારની વિગતો મેળવી હતી. આ માહિતી મેળવ્યા પછી તેમણે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી હતી. વિડિયો વેરિફિકેશન દરમિયાન તેમને તેમની નાણાકીય પ્રવૃત્તિઓ સંબંધમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના તેમણે આસાનીથી ઉત્તર આપ્યા હતા, કારણ કે સિબિલ પાસેથી તેમને આ બધી વિગતો મળી ગઈ હતી. વળી, આ સેલિબ્રિટીઓનો સિબિલ સ્કોર સારો હોવાથી અન્ય બેન્ક અને નાણાકીય સંસ્થાઓ પાસેથી તેમને નામે આસાનીથી ક્રેડિટ કાર્ડ મળી શકે એ તેઓ જાણતા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

રૂ. 10 લાખની ક્રેડિટ લિમિટ મળી
આરોપીઓએ તેમના અસલ સમયની સેલ્ફી અપલોડ કરી હતી, જે બોગસ પેન અને આધાર પરના ફોટો સાથે મેચ થઈ હતી. આ મુજબ આરોપીઓને પ્રત્યેકી રૂ. 10 લાખની ક્રેડિટ લિમિટ મંજૂર કરાઈ હતી. આરોપીઓએ એક સપ્તાહમાં જ આ લિમિટ પાર કરી દીધી હતી અને તેની સામે કોઈ પુનઃચુકવણી કરી નહોતી. એક ડિવાઈસનો ઉપયોગ કરીને અનેક વાર આરોપીઓએ ઓનબોર્ડિંગ કરવાનો પ્રયાસ કરતાં અમારી પ્રણાલીએ એલર્ટ કરી હતી. દા.ત. આરોપીઓએ સાત ડિવાઈસમાંથી કુલ 83 પેનની વિગતોન ઉપયોગ કરીને અમારી સાથે ઓનબોર્ડ થવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી
આરોપીઓ ગૂગલ પરથી સેલિબ્રિટીઓની જીએસટી વિગતો મેળવતા હતા. જીએસટીઆઈએનના પ્રથમ બે આંકડા રાજ્યનો કોડ હોય છે અને આગામી 10 આંકડા પેન નંબર હોય છે તે આ ઠગો બરોબર જાણતા હતા.સેલિબ્રિટીઓની જન્મતારીખ ગૂગલ પર ઉપલબ્ધ હોવાથી તેમનો પેન અને જન્મતારીખ મળીને પેનની વિગતો પૂર્ણ થાય છે. ઠગો છેતરપિંડીથી નવો પેન કાર્ડ બનાવતા હતા, જેની પર પોતાની તસવીરો મૂકી દેતા હતા, જેથી વિડિયો વેરિફિકેશન દરમિયાન તેમનો લૂક પેન કે આધાર કાર્ડ પર ઉપલબ્ધ ફોટો સાથે મેચ થાય. દાખલા તરીકે, અભિષેકના પેન કાર્ડ પર તેનો પેન અને જન્મતારીખ હતો, પરંતુ તસવીર ઠગની હતી.

બે વર્ષથી કૌભાંડ ચલાવતા હતા
છેલ્લાં બે વર્ષથી આરોપીઓ આ કૌભાંડ ચલાવતા હતા. એક આરોપીએ બી.ટેક.નું શિક્ષણ લીધું છે. ઝટપટ પૈસા કમાવા માટે તેમણે આ રસ્તો અપનાવ્યો હતો. આરોપીઓ પાસેથી પાંચ બેન્ક ચેક બુક, 42 સિમકાર્ડ, 40 ક્રેડિટ કાર્ડ, 34 બનાવટી કાર્ડ, 25થી વધુ આધાર કાર્ડ જપ્ત કરવામાં આવ્યાં છે, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...