મુંબઈ હાઈ કોર્ટે તાજેતરમાં “લવ જેહાદ” ના દાવાઓ સાથે સંકળાયેલા એક કેસની સુનાવણી કરતી વખતે અવલોકન કર્યું હતું, કે માત્ર એક છોકરી અને છોકરો જે સંબંધમાં સામેલ છે તે અલગ અલગ ધર્મના હોવાને કારણે આ બાબતને ધાર્મિક રંગ આપી શકાય નહીં. જસ્ટિસ વિભા કંકણવાડી અને અભય વાઘવાસેની ડિવિઝન બેન્ચે મુસ્લિમ મહિલા, તેનાં માતા-પિતા અને તેની બહેનને આગોતરા જામીન આપતી વખતે આ અવલોકન કર્યું હતું. તેમની પર એક હિંદુ પુરુષ દ્વારા કથિત રીતે ધર્મપરિવર્તન કરવા અને મહિલા સાથે લગ્ન કરવા માટે દબાણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને આમ કરવા માટે કેસ નોંધવામાં આવ્યો હતો.
ખંડપીઠે ચુકાદામાં અવલોકન કર્યું હતું કે, હવે લવ-જેહાદનો રંગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગે છે, પરંતુ જ્યારે પ્રેમનો સ્વીકાર કરવામાં આવે છે, ત્યારે માત્ર બીજાના ધર્મમાં પરિવર્તન માટે ફસાવવાની શક્યતા ઓછી હોય છે. કારણ કે છોકરો અને છોકરી અલગ અલગ ધર્મના છે, ત્યાં ધર્મનો કોઈ રંગ ન હોઈ શકે, તે એકબીજા પ્રત્યેના શુદ્ધ પ્રેમની વાત હોઈ શકે છે.કોર્ટ મહિલા અને તેના પરિવાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમને ઔરંગાબાદની વિશેષ અદાલત દ્વારા આગોતરા જામીન નકારવામાં આવ્યા હતા.
પુરુષનો આરોપ છે, કે મહિલા અને તેના પરિવારે તેને ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યું. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેની સાથે બળજબરીથી સુન્નત (ખટાણા) પણ કરાવવામાં આવી હતી. વધુમાં, એવી દલીલ કરવામાં આવી હતી, કે આ કેસમાં “લવ જેહાદ” એંગલ હતો કારણ કે તેને મહિલાના પરિવારની તરફેણમાં કેટલાક નાણાકીય વ્યવહારો કરવાની ફરજ પડી હતી. અન્ય એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેની જાતિના નામે તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.
હકીકત પર આધારિત આદેશ
નોંધનીય રીતે, વિશેષ અદાલતે તેના આદેશો એ હકીકત પર આધારિત રાખ્યા હતા કે મહિલા અને તેના પરિવાર પર કઠોર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. વધુમાં, કોર્ટે નોંધ્યું હતું, કે આ કેસની તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે, અને પોલીસ ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરે તેવી શક્યતા છે. આમ, તપાસના હેતુ માટે અરજદારોની શારીરિક કસ્ટડી જરૂરી રહેશે નહીં, એમ કોર્ટે જણાવ્યું હતું.જ્યાં સુધી તે વ્યક્તિનો દાવો છે કે તેની બળજબરીથી સુન્નત કરવામાં આવી હતી, બેન્ચે નોંધ્યું હતું કે પોલીસ દ્વારા એક નિષ્ણાતને તેના પર તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને બેન્ચે મહિલા અને તેના પરિવારના સભ્યોને આગોતરા જામીન મંજૂર કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.