કોર્ટે જામીન આપ્યા:છેતરપિંડી મુદ્દે કોચર દંપતીની ધરપકડ કાયદા મુજબ નથી - કોર્ટે જામીન આપ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચંદા કોચરની ધરપકડ સમયે મહિલા પોલીસ અધિકારી હાજર નહોતી

આઈસીઆઈસીઆઈ બેન્ક- વિડિયોકોન ગ્રુપ લોન છેતરપિંડી કેસમાં આઈસીઆઈસીઆઈ બેન્કનાં ભૂતપૂર્વ સીઈઓ અને એમડી ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને મુંબઈ હાઈ કોર્ટે સોમવારે જામીન આપીને તેમની ધરપકડ કાયદા અનુસાર કરાઈ નહોતી એવી નોંધ કરી હતી. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને પી કે ચવાણની ખંડપીઠે એવી નોંધ કરી કે કોચર દંપતીની ધરપકડમાં કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર (સીઆરપીસી)ની કલમ 41એનું ઉલ્લંઘન થયું છે, જે કલમ હેઠળ સંબંધિત પોલીસ અધિકારી સામે હાજર કરવા માટે સૂચના આપવાનું ફરજિયાત છે.

વિડિયોકોન- આઈસીઆઈસીઆઈ બેન્ક લોન કેસમાં 23 ડિસેમ્બર, 2022ના દંપતીની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેઓ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. કોચર દંપતી ઉપરાંત સીબીઆઈએ આ કેસમાં વિડિયોકોન ગ્રુપના સ્થાપક વેણુગોપાલ ધૂતની પણ ધરપકડ કરી છે. તેઓ પણ ન્યાયિક કસ્ટડીમાં છે.

વાસ્તવિકતા અનુસાર કોચર દંપતીની ધરપકડ કાયદાની જોગવાઈઓ અનુસાર નથી. ધરપકડ કાયદાની જોગવાઓ અનુસાર કરાઈ નથી. કલમ 41(એ)નું પાલન કરાયું નથી, જેથી તેમને છોડવાની ફરજ પડી છે, એમ હાઈ કોર્ટે જણાવ્યું હતું. આ સાથે કોર્ટે બંને પ્રત્યેકી રૂ. 1 લાખની રોકડ જામીનની રકમ જમા કરવા પણ નિર્દેશ આપ્યો હતો. દંપતીના વકીલે પછી કહ્યું કે તેઓ પોતાના અસીલોના છુટકારા માટે વિશેષ સીબીઆઈ કોર્ટ સમક્ષ કાર્યવાહીની પહેલ કરશે.

જરૂર પડે ત્યારે હાજર થવાની શરત : કોર્ટે બંનેને તપાસમાં સહયોગ આપવા અને જેમ અને જ્યારે આવશ્યક હોય ત્યારે સીબીઆઈ સમક્ષ હાજર થવા માટે સૂચના આપી છે. કોર્ટે તેમને પાસપોર્ટ સીબીઆઈને સુપરત કરવા પણ જણાવ્યું છે. દંપતીએ તેમની ધરપકડને પડકારતી અરજી કરી હતી, જેની પર આ ફેંસલો આવ્યો છે.

ચંદા કોચર વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રી અમિત દેસાઈએ જણાવ્યું કે મારા અસીલની ધરપકડ કરવા સીઆરપીસીની કલમ 46(4)નું પાલન કર્યું નથી, જેના હેઠળ ધરપકડ સમયે મહિલા પોલીસ અધિકારીની હાજરી જરૂરી હતી. આ કલમ અનુસાર કોઈ પણ મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પૂર્વે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની પરવાનગી વિના નહીં કરી શકાય.

આ રીતે નાણાં ટ્રાન્સફર કરાયાં

સીબીઆઈએ ભ્રષ્ટાચાર પ્રતિબંધક ધારાની જોગવાઈઓ અને ફોજદારી કાવતરા સંબંધમાં આરોપીઓ તરીકે ચંદા કોચર, દીપક કોચર, વેણુગોપાલ સાથે દીપક કોચરના વ્યવસ્થાપન હેઠળની નુપાવર રિન્યુએબલ્સ (એનઆરએલ), સુપ્રીમ એનર્જી, વિડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિ. અને વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિ.નાં નામ આપ્યાં છે. સીબીઆઈઓનો આરોપ છે કે આઈસીઆઈસીઆઈ બેન્કે નિયમોનું ઉલ્લંઘન કરીને આ કંપનીઓને રૂ. 3250 કરોડની ધિરાણ સુવિધાઓ મંજૂર કરી હતી. 2010 અને 2012 વચ્ચે સમજૂતી અનુસાર ધૂતે સુપ્રીમ એનર્જી પ્રા. લિ. થકી નુપાવરમાં રૂ. 64 કરોડનું રોકાણ કર્યું હતું અને સુપ્રીમ એનર્જીએ પછી આ રકમ દીપક કોચરના વ્યવસ્થાપન હેઠળથી પિનેકલ એનર્જી ટ્રસ્ટને ટ્રાન્સફર કરી હતી.

જોગવાઈઓનું ઉલ્લંઘન નહીં : ઠાકરે
દીપક કોચર વતી એડ. વિક્રમ ચૌધરીએ દલીલ કરી હતી. સીબીઆઈ વતી રાજા ઠાકરેએ કહ્યું કે કોચરની ધરપરડ દરમિયાન કાનૂની કે બંધારણીય જોગવાઈઓનું કોઈ ઉલ્લંઘન કરાયું નથી. સીબીઆઈનો આરોપ છે કે ખાનગી ક્ષેત્રની ધિરાણદાર આઈસીઆઈસીઆઈ બેન્કે બેન્કિંગ નિયમન ધારા, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા અને બેન્કની ધિરાણ નીતિનું ઉલ્લંઘન કરીને વેણુગોપાલ ધૂત દ્વારા પ્રમોટ કરાયેલા વિડિયો ગ્રુપની કંપનીઓને રૂ. 3250 કરોડની ધિરાણ સુવિધા મંજૂર કરાઈ હતી.

સીબીઆઈએ પ્રતિસાદ નહીં આપ્યો
દેસાઈએ એમ પણ જણાવ્યું કે મારા અસીલે એફઆઈઆર દાખલ કરાઈ હતો તે વર્ષ 2019માં સીબીઆઈને નિવેદન આપવા માટે તૈયારી બતાવી હતી, જોકે સીબીઆઈએ કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો. જુલાઈ 2022 સુધી સીબીઆઈએ સમન્સ જારી કર્યા નહોતા અને ડિસેમ્બરમાં સીધા જ સહકાર આપતાં નથી એમ કહીને ધરપકડ કરી હતી. સીબીઆઈને ધરપકડની સત્તા અજમાવવી પડી તેનું કારણ શું છે? અસહકારનો મુદ્દો વ્યક્તિલક્ષી છે.

અન્ય સમાચારો પણ છે...