મુંબઈ ઉપનગરીય રેલવે સ્ટેશનમાં રેલનીરની પાણીની બાટલીઓની અછત થવાથી ખાનગી કંપનીઓની પીવાના પાણીની બોટલ વેચવા માટે ઈંડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન અર્થાત આઈઆરસીટીસીએ મંજૂરી આપી છે. એના લીધે મુંબઈના ઉપનગરીય સ્ટેશનમાં આઈઆરસીટીસી સહિત બીજી બ્રાન્ડની પીવાના પાણીની બોટલ પણ હવે મળશે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી થાણે દરમિયાન પીવાના પાણીની બાટલી પૂરી પાડવાની જવાબદારી આઈઆરસીટીસી પર છે. થાણેથી કલ્યાણ/કર્જત/કસારા અને હાર્બર લાઈનમાં તમામ સ્ટેશનમાં પાણીની બાટલી પૂરી પાડવાની જવાબદારી રેલવેને સોંપવામાં આવી છે.
રેલવેએ મંજૂર કરેલ રેલનીર છોડીને બીજી ખાનગી કંપનીઓની પીવાના પાણીની બાટલી વેચવા માટે આગામી સૂચના મળે ત્યાં સુધી પરવાનગી આપવામાં આવી છે. આ બાબતે પત્ર મધ્ય રેલવેને મોકલવામાં આવ્યો છે એમ આઈઆરસીટીસીના ગ્રુપ મહાવ્યવસ્થાપક રાહુલ હિમાલયને જણાવ્યું હતું.
રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ પર સ્ટોલધારકોને હજી કોઈ સૂચના મળી નથી એમ તેઓ જણાવે છે. રેલનીર માટે ઓર્ડર નોંધાવ્યા છતાં પાણીની બાટલી ઉપલબ્ધ થતી નથી એવી તેમની ફરિયાદ છે.
14 સ્ટેશન માટે કોન્ટ્રેક્ટર નિયુક્ત
મુંબઈ વિભાગના 34 રેલવે સ્ટેશનમાં વોટર વેન્ડિંગ મશીન શરૂ કરવા માટે ટેંડર પ્રક્રિયા પૂરી થઈ છે. એમાંથી 14 રેલવે સ્ટેશનમાં વોટર વેન્ડિંગ મશીન શરૂ કરવા કોન્ટ્રેક્ટર નિયુક્ત કરવામાં આવ્યો છે. બાકીના 20 રેલવે સ્ટેશન માટે પ્રતિસાદ મળ્યો નથી.
20 રેલવે સ્ટેશન માટે નવેસરથી ટેંડર મગાવવામાં આવશે. દરમિયાન નિયુક્ત થયેલા કોન્ટ્રેકટરને શક્ય એટલા વહેલા મશીન શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે એવી માહિતી મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.