એન્ટિલિયા વિસ્ફોટક કેસ:ભ્રષ્ટાચાર કેસમાં વાઝેની માફી મળતાં જ જામીન માટે અરજી

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સચીન વાઝેએ રૂખ બદલતાં અનીલ દેશમુખની મુશ્કેલીઓ વધી શકે છે

મહારાષ્ટ્રની આઘાડી સરકારના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના 100 કરોડના વસૂલીના કેસમાં બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેને વિશેષ કોર્ટે માફીનો સાક્ષી બનવા માટે પરવાનગી આપી છે. વાઝેને મંગળવારે સેશન્સ કોર્ટમાં સીબીઆઈની વિશેષ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. માફીના સાક્ષી અંગેની અરજી પર વાઝે દ્વારા કોર્ટ સમક્ષ સહી કરવામાં આવી હતી. કોર્ટે વાઝેને નિયમો અને શરતો પર માફીનો સાક્ષી તરીકે માન્યતા આપી છે. આથી હવે અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈના કેસમાં વાઝે માફીનો સાક્ષી બની ગયો છે.માફીને મંજૂરી મળતાં જ ચાર્જશીટમાં નામ નહીં હોવાથી જામીન મળે એવી અરજી વાઝે દ્વારા કરવામાં આવી છે.

વાઝે વતી આરતી કાલેકરે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 167(2) હેઠળ એવી દલીલ કરી કે વાઝેની આ કેસમાં ધરપકડ થયા પછી નિર્ધારિત સમયમાં ચાર્જશીટ દાખલ નહીં કરી હોવાથી તે જામીન માટે હકદાર બને છે. જોકે જામીન મળે તો પણ વાઝે બહાર નહીં આવી શકે, કારણ કે એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં તે મુખ્ય આરોપી છે.ગત સુનાવણી વખતે કોર્ટે વાઝેને રૂબરૂ હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. તેને મંગળવારે મુંબઈની સેશન્સ કોર્ટમાં સીબીઆઈની વિશેષ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે આરોપ કર્યો હતો કે વાઝે અને અન્ય અધિકારીઓને દેશમુખે મુંબઈમાં બિયર બાર અનધિકૃત રીતે ચલાવવા દેવા સામે માસિક રૂ. 100 કરોડની વસૂલી કરવા કહ્યું હતું. આ કેસની તપાસ ઈડી દ્વારા કરવામાં આવીરહી છે. દેશમુખના બે સહાયકોની પણ આ કેસમાં અગાઉ ધરપકડ કરવામાં આવી છે.

આ બધા જ હાલમાં જેલ કસ્ટડીમાં છે.વાઝે સામે એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો સાથેની કાર ગોઠવવાનો અને થાણેના વેપારી મનસુખ હિરનની હત્યાનો પણ આરોપ છે. વાઝેની કારકિર્દી કલંકિત રહી હતી. જોકે તે છતાં તેને ફરીથી સેવામાં લેવાયો હતો. તેણે અનેક હાઈ પ્રોફાઈલ કેસ હાથ ધર્યા હતા. જોકે એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો મૂકવાનું સાહસ તેને ભારે પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...