અરજી મોકૂફ:7/11 વિસ્ફોટના પાંચ દોષીની ફાંસીને પુષ્ટિની અરજી મોકૂફ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ હાઈકોર્ટે કામનો વધુ બોજ હોવાથી સુનાવણી પાછળ ઠેલી

મુંબઈ હાઈ કોર્ટે સોમવારે લોકલ ટ્રેનોમાં 7/11ના શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં પાંચ દોષીની ફાંસીની સજાની પુષ્ટિ કરવા માટેની અરજીઓ પર સુનાવણી મુલતવી રાખી હતી. આ મામલાની સુનાવણી કરતી બેન્ચ પર કામનો વધુ પડતો બોજ હોવાથી સુનાવણી મોકૂફ રખાઈ છે.11 જુલાઈ, 2006ના રોજ સાત પશ્ચિમી ઉપનગરીય ટ્રેનના કોચમાં વારાફરતી બોમ્બધડાકા થયા હતા, જેમાં 189 મુસાફરો માર્યા ગયા હતા અને 824 ઘાયલ થયા હતા.

આઠ વર્ષથી વધુ ચાલેલા ટ્રાયલ પછી, ઓક્ટોબર, 2015માં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ્સ એક્ટ (મકોકા) હેઠળની વિશેષ અદાલતે પાંચ આરોપીઓને મૃત્યુદંડ અને અન્ય સાતને આજીવન કેદની સજા ફટકારી હતી.ત્યાર પછી, મહારાષ્ટ્ર સરકારે પાંચ દોષીને આપવામાં આવેલા મૃત્યુદંડની પુષ્ટિ કરવા માટે હાઈ કોર્ટમાં અરજી કરી હતી અને ઉપરોક્ત દોષીએ તેમની સજાને પડકારતી અપીલ પણ દાખલ કરી હતી. સોમવારે વિશેષ સરકારી વકીલ રાજા ઠાકરેએ જસ્ટિસ આર ડી ધાનુકા અને જસ્ટિસ એમજી સેવલીકરની બેંચને જણાવ્યું હતું કે પુષ્ટિની અરજીઓ પર સુનાવણીમાં ઓછામાં ઓછા પાંચથી છ મહિનાનો સમય લાગશે.

વધુ પાંચ ન્યાયાધીશો નિવૃત્ત થશે
આ ટિપ્પણી તે જ દિવસે આવી છે, જ્યારે હાઈ કોર્ટના જસ્ટિસ અનિલ કે મેનન સેવાનિવૃત્ત થઈ રહ્યા છે, જેના કારણે હાઈ કોર્ટમાં કુલ સંખ્યા 54 જજની થઈ છે. જસ્ટિસ મેનન આ વર્ષે નિવૃત્ત થનારા હાઈ કોર્ટના છઠ્ઠા ન્યાયાધીશ છે અને આગામી થોડા મહિનામાં વધુ પાંચ ન્યાયાધીશ નિવૃત્ત થવાના છે. હાઈ કોર્ટના ન્યાયાધીશ તરીકે 10 વકીલોની નિમણૂક કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળવાની હોવાથી મુંબઈમાં મુખ્ય બેઠક ધરાવતી મુંબઈ હાઈ કોર્ટ અને ઔરંગાબાદ, નાગપુર અને ગોવામાં બેન્ચો મંગળવારથી 54 ન્યાયાધીશો સાથે કામ કરશે, જેમાં 46 કાયમી ન્યાયાધીશો અને નવ વધારાના ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. જોકે કોર્ટની મંજૂર સંખ્યા 94 છે અને તે અલાહાબાદ હાઈકોર્ટ પછી દેશની બીજી સૌથી મોટી સંખ્યા છે. જોકે સુપ્રીમ કોર્ટ કોલેશિયમ દ્વારા ભલામણ કરાયેલી નિમણૂકો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં નહીં આવે તો આગામી નિવૃત્તિઓને કારણે સંખ્યા ઘટવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...