કલ્યાણથી ટિટવાલા રેલવે સ્ટેશન વચ્ચે ચાલતી મુંબઈ લોકલ ટ્રેનના ડબ્બામાં એક વૃદ્ધને એટલો માર મારવામાં આવ્યો હતો કે તેનું મોત નીપજ્યું હતું. આ ચોંકાવનારી ઘટના ગુરુવારે બપોરે બની હતી. વૃદ્ધનું નામ બબન હાંડે દેશમુખ છે. કલ્યાણ રેલવે પોલીસે આ કેસમાં એક શકમંદની ધરપકડ કરી છે.લોકલ ટ્રેનમાં સીટ પર બેસવાને લઈને ઝઘડામાં આ ઘટના બની હતી. પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાને પગલે દોડતી લોકલ ટ્રેનમાં મુસાફરોની સલામતીનો મુદ્દો ફરી એક વાર સામે આવ્યો છે. દેશમુખ આંબિવલીમાં રહેતો હતો અને તે નિવૃત્ત જીવન જીવતો હતો. ગુરુવારે બપોરે હાંડે કોઈ કામ અર્થે કલ્યાણ આવ્યો હતો.
કામ આટોપીને તે ફરીથી આંબિવલી ઘરે જતો હતો. કલ્યાણ રેલવે સ્ટેશનથી ટિટવાલા તરફ ટ્રેન પકડી હતી. તે લગેજ કમ્પાર્ટમેન્ટમાં ચઢી ગયો હતો. આ પછી લગેજ ડબ્બામાં ચઢવા બાબતે અને સીટ પર બેસવા બાબતે ઝઘડો થયો હતો. અમુક પ્રવાસીઓએ તેને ખૂબ માર માર્યો હતો. આમાં દેશમુખનું મોત થયું હતું.આ ઘટના કલ્યાણથી ટિટવાલા રેલવે સ્ટેશન વચ્ચે બની હતી, જયારે ટ્રેન ટિટવાલા રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે દેશમુખ લગેજ કમ્પાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું. આ ઘટનાની માહિતી મળતાં કલ્યાણ રેલવે પોલીસે પહોંચી હતી.
દેશમુખના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. સિનિયર પીઆઈ મુકેશ ધાગેએ માહિતી આપી કે દેશમુખની હત્યા સંબંધમાં કલ્યાણ રેલવે પોલીસે એક શકમંદની ધરપકડ કરી છે.મુંબઈ લોકલમાં મારપીટની ઘટનાઓ સતત બની રહી છે, નજીવાં કારણોસર દરરોજ દલીલો અને મારપીટ થાય છે. સીટ પર બેસવાને કારણે મારપીટના બનાવો હંમેસાં બને છે, જેથી મુસાફરોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.