મહારાષ્ટ્રના ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસને રૂ. 1 કરોડની લાંચ આપવાની ઓફર કરવાને મામલે હવે નવી માહિતી બહાર આવી છે. પોલીસે આ મામલામાં ખંડણીની કલમ ઉમેરી છે. આ કેસમાં ડિઝાઇનર અનિક્ષા જયસિંઘાનીની ધરપકડ બાદ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી છે.
પોલીસ હવે તેની સઘન પૂછપરછ કરી રહી છે, જેમાં વધુ નવા ખુલાસા બહાર આવી શકે છે. આ કેસમાં હવે રાજયના ગૃહમંત્રી ફડણવીસને તેમના પત્ની થકી કોણ ટ્રેપમાં લેવા માગે છે તેની પર રાજકીય વર્તુળોમાં અટકળો અને ચર્ચાઓ શરૂ છે. આગામી દિવસોમાં આ મામલે અનેક ચોંકાવનારા ખુલાસા બહાર આવી શકે છે.
અમૃતાને એક કરોડની લાંચ આપવાના કરેલા નિષ્ફળ પ્રયાસ પછી તેને ધમકાવીને અને બ્લેકમેઈલ કરીને રૂ. 10 કરોડની ખંડણી માગવાનો પ્રયાસ કરાયો હતો, એમ મુંબઈ પોલીસે જણાવ્યું હતું. શુક્રવારે મુંબઈ પોલીસે 26 વર્ષીય અનિક્ષા જયસિંઘાની સામે ખંડણીની કલમ ઉમેરી હતી. મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતા હેઠળ કલમ 385 ઉમેરવામાં આવી છે. આરોપીએ બે વિડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી અને અમૃતા ફડણવીસ પાસેથી ખંડણી માગી હતી.અનિક્ષા જયસિંઘાનીની ગુરુવારે ઉલ્હાસનગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અમૃતાએ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેને ધમકી આપવામાં આવી હતી અને રૂ. 10 કરોડની ખંડણી માગવામાં આવી હતી.
મુંબઈ પોલીસે કહ્યું કે તેઓ તે વ્યક્તિની શોધમાં છે, જેણે વિડિયો બનાવ્યો હતો, જેની સાથે આરોપી મહિલાએ અમૃતા ફડણવીસ પાસે ખંડણી માગવાનો પ્રયાસ કર્યો હતો. અનિક્ષાની કસ્ટડીની માગણી કરતી વખતે, પોલીસે જણાવ્યું હતું કે અનિક્ષા દેવેન્દ્ર ફડણવીસને જાણીજોઈને જાળમાં ફસાવવા માંગતી હતી અને તેથી આ કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આરોપો દાખલ કરવામાં આવ્યા છે.
મુંબઈ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, અમૃતા ફડણવીસ પાસેથી એક કરોડની લાંચ આપવા, ખંડણી માગવા, ધમકી અને બ્લેકમેઇલ કરવા સહિતની વિવિધ આઇપીસીની કલમ અન્વયે અનિક્ષા અને તેના પિતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. અંનિક્ષા અમૃતાને 16 મહિનાથી વધુ સમયથી ઓળખતી હતી. તેના ફોન પર કથિત રૂપે કોલ્સ અને સંદેશ મળ્યા પછી, અમૃતાએ ગુરુવારે મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પોલીસે જણાવ્યું કે, તેઓ બીજા આરોપી, તેના પિતા અનિલ જયસિંઘાનીને શોધી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.