ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્રના બંગલો નજીક બોમ્બ મુકાયો છે એવો ફોન કોલ કરનારો પુણેના લોણીખંડનો અંધજન હોવાનું બહાર આવ્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ક્રિમિનલ ઈન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ) દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.દ્રષ્ટિમાં સમસ્યા ધરાવતો આરોપી પુણેના લોણીખંડમાં પોલીસ સ્ટેશન નજીક રહે છે અને મુંબઈ પોલીસ બોમ્બનો ફોન કોલ કર્યા પછી કેટલી ઝડપથી ઘટનાસ્થળ પર પહોંચે છે તે તપાસવા માગતો હતો, એવું પૂછપરછમાં બહાર આવ્યું છે.
આરોપીએ ભારતવ્યાપી એકલ નંબર ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ઈઆરએસએસ)ના નંબર 112 પર કોલ કર્યો હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંનો જેઠાલાલ દિલીપ જોશીના દાદરના શિવાજી પાર્ક ખાતે ઘર નજીક આશરે 25 લોકો ભેગા થયા છે અને તેઓ અંબાણી, અમિતાભ અને ધર્મેન્દ્રના બંગલો નજીક બોમ્બ મૂકવાની વાતો કરી રહ્યા છે. આ શખસો પાસે શસ્ત્રો અને વિસ્ફોસ્ટકો છે એવો પણ તેણે દાવો કર્યો હતો.
તપાસ પછી પીઆઈ મિલિંદ કાતેની આગેવાનીમાં પોલીસ ટીમે કોલરનું પગેરું મેળવીને પુણેમાંથી તેની ધરપકડ કરી હતી. તેને દ્રષ્ટિમાં ખામી છે અને અમુક અંતર પછી તેને દેખાતું નથી. તે ટીવી બહુ જુએ છે અને વિખ્યાત લોકોને નામે કોલ કરીને પોલીસની સતર્કતા તપાસવા માગતો હતો. ઉપરાંત ઈઆરએસએસના કર્મચારીને તેણે પોતે પોલીસ હોવાનું જણાવ્યું હતું. આરોપીની ધરપકડ કરાઈ છે. તેનો મોબાઈલ ફોન જપ્ત કરાયો છે. વધુ તપાસ માટે તેને શિવાજી પાર્ક પોલીસને સોંપવામાં આવ્યો છે, એમ પોલીસે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.