છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી છે. છ જિલ્લાઓમાં દર્દીઓની સંખ્યા વધી છે. જોકે રાજ્યમાં માસ્ક ફરજિયાત બનાવાયો નથી. આમ છતાં નાગરિકોએ પોતાની સુરક્ષા માટે સ્વેચ્છાથી માસ્ક વાપરવો જોઈએ, એવો અનુરોધ આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કર્યો હતો. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો છેલ્લા થોડા દિવસથી વધી રહ્યો છે.
આથી ફરીથી માસ્ક ફરજિયાત બનાવાશે કે કેમ અને નિયંત્રણો લાદવામાં આવશે કે કેમ તેવો પ્રશ્ન સામાન્ય નાગરિકો પૂછી રહ્યા છે. સોમવારે કેબિનેટની મિટિંગ થઈ, જેમાં માસ્ક ફરજિયાત કરવાનો નિર્ણય લેવાઈ શકે એવી ચર્ચા હતી, પરંતુ ટોપેએ આવો કોઈ નિર્ણય લેવાયો નથી એમ સ્પષ્ટ કરવા સાથે સંભવિત જોખમ વિશે પણ જાણકારી આપી.
રાજ્યમાં મુંબઈ, થાણે, નવી મુંબઈ, પુણે, રાયગઢ, પાલઘર સહિત છ જિલ્લામાં કોરોનાનો પ્રભાવ વધ્યો છે. ઘણાં ઠેકાણે પોઝિટિવિટી દર વધ્યો છે. અમુક ઠેકાણે તે 5, 6, 8 ટકા સુધી પહોંચ્યો છે. આ આંકડાવારી કાળજી કરાવનારી છે. આ જિલ્લાઓમાં પરીક્ષણ વધારવા સૂચના આપવામાં આવી છે. રવિવારે રજા હોવાથી પરીક્ષણ ઓછાં થયાં હતાં.
જોકે હવે તે વધારવા સૂચના અપાઈ છે. અમુક જિલ્લામાં 100માંથી 6-8 ટકા પરીક્ષણ પોઝિટિવ આવી રહ્યાં છે. અહીં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ 1 ટકો છે. સદનસીબે કોઈની તબિયત ગંભીર નથી, એમ ટોપેએ જણાવ્યું હતું. કોરોનાનો નવો વેરિયન્ટ વધુ ચેપી હોવાથી કાળજી લેવાનું જરૂરી છે.
ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક કરણ જોહરે આયોજિત કરેલી પાર્ટીમાં અનેક સેલિબ્રિટી, બોલીવૂડના કલાકારો ગયા હતા, જેમાંથી અમુકને કોરોના લાગુ થયો છે. આ પરથી કોરોનાનો વધતો પોઝિટિવિટી દર ધ્યાનમાં આવે છે, એમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યમાં 1036 નવા કેસ
દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1036 નવા કેસ નોંધાયા હતા જેમાં મુંબઈમાં સૌથી વધુ 676 કેસ નોંધાયા હતા. સદનસીબે આજે કોઈ મૃત્યુની નોંધ થઈ નહોતી. રાજ્યમાં એક્ટિવ દર્દીની સંખ્યા 7429 છે, જેમાં મુંબઈમાં 5238 છે. થાણેમાં 1172 એક્ટિવ દર્દી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.