RBIનો હાઈકોર્ટમાં દાવો:પ્રજ્ઞાચક્ષુઓ ઓળખી શકે એ માટે ચલણી નોટમાં ફેરફાર

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રજ્ઞાચક્ષુઓ સહેલાઈથી ઓળખી શકે એવી પદ્ધતિથી નવી ચલણી નોટમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ ફેરફાર પ્રજ્ઞાચક્ષુઓ માટે કામ કરતા સંગઠનોના વિચારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યાનો દાવો રિઝર્વે બેંકે હાઈ કોર્ટમાં કર્યો હતો. નવી ચલણી નોટો અને સિક્કા ઓળખવામાં અને એમાં ફરક સમજતા પ્રજ્ઞાચક્ષુઓને અડચણ થાય છે એવો દાવો કરતી જનહિત અરજી નેશનલ એસોસિએશન ઓફ ધ બ્લાઈન્ડ સંસ્થાએ કરી છે.

મુખ્ય જજ દીપાંકર દતા અને જજ મકરંદ કર્ણિકની ખંડપીઠ સમક્ષ અરજી પર સુનાવણી થઈ હતી. પહેલાંની નોટો અને સિક્કા જુદા જુદા આકારના હતા. તેથી પ્રજ્ઞાચક્ષુઓ સહેલાઈથી ઓળખી શકતા હતા. નવી નોટો અને સિક્કાઓનો આકાર નાનો કરવામાં આવ્યો છે. પરિણામે એને ઓળખવા મુશ્કેલ થાય છે એમ અરજદારના વકીલ એડવોકેટ ઉદય વારુંજીકરે કોર્ટમાં જણાવ્યું હતું.

આ અરજી પછી પ્રજ્ઞાચક્ષુઓ નોટો અને સિક્કા ઓળખી શકે એ માટે રિઝર્વે બેંકે એક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી છે. એના પર આ મોબાઈલ એપ્લિકેશન વિકસિત કરવા ઉપરાંત નવી નોટો અને સિક્કાઓમાં ફેરફાર પ્રજ્ઞાચક્ષુઓ માટે કામ કરતા અનેક સંગઠન સાથે ચર્ચા કરીને કરવામાં આવ્યા હોવાનું રિઝર્વે બેંક તરફથી વકીલ વેંકટેશ ધોંડે કોર્ટમાં જણાવ્યું હતું.

બંને પક્ષને સાંભળીને અરજીમાં ઉપસ્થિત કરવામાં આવેલી સમસ્યા ગંભીર હોવાનું ખંડપીઠે જણાવ્યું હતું. તેમ જ અરજદારને આ સમસ્યા પરની ઉપાયયોજના બાબતે એફિડેવિટ આગામી સુનાવણીના સમયે રજૂ કરવાનું સ્પષ્ટ કર્યું હતું.

સ્પર્શથી પણ ઓળખી શકાશે
રિઝર્વ બેંકે ચલણી નોટમાં ઓળખ ચિહ્ન અને ઉપસાવેલી રેખા સહિત સ્પર્શ કરતા ચોક્કસપણે ઓળખી શકાય એવા ફેરફાર પ્રજ્ઞાચક્ષુઓ માટે કર્યા છે. એ અનુસાર 100 રૂપિયાની નોટમાં ત્રિકોણ અને ચાર રેખા છે, 500 રૂપિયાની નોટમાં વર્તુળ અને પાંચ રેખા છે જ્યારે 2 હજારની નોટમાં સાત રેખા છે.

અન્ય સમાચારો પણ છે...